GUJARAT

ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનીને તૈયાર થઈ ગઈ છે.

 1,779 Total Views

વડોદરા ના દંતેશ્વર ખાતે રૂપિયા 11.26 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ Gujarat’s first open jail) બનીને તૈયાર થઈ ગઈ છે. આ ઓપન જેલ માં પાકા કામના 60 કેદીઓને રાખવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. 4.12 એકરમાં બનેલી ઓપન જેલમાં બે માળની કુલ 12 બેરેક બનાવાઈ છે. એક બેરેકમાં પાંચ કેદી ઓને રાખવામાં આવશે.

ઓપન જેલમાં કેદીઓ માટે મેડીટેશન હોલ, લાઈબ્રેરી, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, ઓપન થિયેટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, ઈન્ડોર ગેમ હોલ, યોગા હોલ, કિચન, બાર્બર શોપ, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડ્રીની પણ સુવિધા ઉભી કરાઈ છે.જેનું નજીકના દિવસોમાં ગૃહમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે, તેમ જેલના અધિકારીએ જણાવ્યું હતું.

શહેરની મધ્યમાં આવેલી વડોદરા સેન્ટ્રલ જેલને ખસેડી નવી જેલ બનાવવા સને 1970માં દંતેશ્વર ખાતે જમીન ફાળવાઈ હતી, પરંતુ જમીનની વચ્ચોવચ ગટરના પાણીનો મોટો કાંસ પસાર થતો હોવાથી જેલ બનાવવાનું આયોજન માંડી વાળ્યું હતું. જે બાદ 103 એકરમાં ફેલાયેલી વિશાળ જમીનને દંતેશ્વર જેલ વાડી તરીકે ઉપયોગમાં લેવાનું શરૃ કરાયું હતું. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જુદા – જુદા હેતુ માટે 13 એકર જમીન અન્ય સરકારી વિભાગોને ફાળવવામાં આવી હતી. જેથી જેલ તંત્ર પાસે 90 એકર જમીન બચી હતી.

જેલમાં સજા ભોગવતા કેદીઓને રોજગારી મળી રહે અને સજા પુરી કરી સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃ સ્થાપિત થાય તેવા હેતુથી દંતેશ્વર ખાતેની જગ્યામાં ઓપન જેલ બનાવવાનું નક્કી કરાયું હતું. જેની સને 2003માં સરકારમાં દરખાસ્ત કરાઈ હતી. જેને સરકારે છેક 2015માં ધ્યાને લઈ મંજૂરી આપતાં ઓપન જેલનું બાંધકામ શરૃ કરાયું હતું. તાજેતરમાં ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બની તૈયાર થઈ ગઈ છે.

ઓપન જેલમાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે 1.19 એકરમાં કુલ 9 ક્વોટર્સ બનાવવામાં આવ્યા છે. તેમજ જેલની ગતીવિધિ પર વોચ રાખવા બે હાઈ માસ્ટ પોલ પણ ઉભા કરાયા છે. હવે, ઓપન જેલ ઉદ્દઘાટન ક્યારે થાય। તેની રાહ જોઈ રહી છે.

ઓપન જેલમાં કેવા કેદીઓને રખાશે?

ઓપન જેલમાં લૂંટ વીથ મર્ડર, એનડીપીએસ (નાર્કોટીક્સ), આંતકવાદી, દેશ કે રાજ્ય વિરુદ્વ ગેરકાનુની પ્રવૃતિ કરનારા, રેપીસ્ટ અને અપહરણના ગુનામાં પકડાયેલા કેદીઓને રાખવામાં નહીં આવે. જ્યારે હત્યા કે હત્યાની કોશિષ સહિતના ગુનામાં પકડાયેલા જે પાકા કામના કેદીઓને લાંબી સજા થઈ છે, તેમને ઓપન જેલમાં રખાશે. જે માટે કેદીની વર્તૂણંક, પેરોલ કે ફર્લાે જમ્પ કરી ભાગ્યા છે કે નહીં? જેલ ખટલા ચાલે છે? જેવી બાબતો ધ્યાનમાં લેવાશે.- વી.આર.પટેલ, ઈન્ચાર્જ જેલ સુપ્રીટેડેન્ટ

ઓપન જેલમાં સુપ્રીટેડેન્ટ સહિતના સ્ટાફની નિમણૂંક કરાઈ

ઓપન જેલમાં અલગથી સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં એક સિનિયર જેલર, એક સિનિયર ક્લાર્ક અને ૬ સિપાઈનો સમાવેશ થાય છે. હાલ સુપ્રીટેડેન્ટનો ચાર્જ વડોદરા મધ્યસ્થ જેલના સિનિયર જેલર બી.બી.ઝાલાને સોંપવામાં આવ્યો છે.

ગુજરાતમાં પહેલો કેદી સંચાલિત પેટ્રોલપંપ પણ દંતેશ્વરમાં

ગુજરાતની જેલોમાં સૌપ્રથમ કેદી સંચાલિત પેટ્રોલપંપ પણ ત્રણ વર્ષ પહેલા દંતેશ્વરમાં શરૃ કરાયો હતો. જેનું સંચાલન કેદીઓ જ કરે છે. રોજ સવારે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કેદીઓને દંતેશ્વર ખાતે લઈ જવામાં આવે છે. જ્યાં પેટ્રોલંપપનુ સંચાલન કરાવાની સાથે ખેતી કામ કરાવવામાં આવે છે. ત્યારબાદ મોડીસાંજે ૬ વાગ્યે જેલ બંધ થાય તે પહેલા તમામને જેલમાં પરત લાવવામાં આવે છે.

જેલમાં જ સ્ટાફ અને કેદીઓને અનાજ, દુધ અને શાકભાજી મળે તેવી વ્યવસ્થા

ઓપન જેલના સ્ટાફ અને કેદીઓને બહાર જવું ન પડે તે માટે જેલમાં જ શાકભાજી, અનાજ અને દુધ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં ૮૦ એકર જમીનમાં દિવેલી, ડાંગર, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. આ ઉપરાંત ૬ કાઉશેડ બનાવવામાં આવ્યા છે. એક શેડમાં ૨૦ ગાયોને રાખવામાં આવી છે.

સને 1881માં સયાજીરાવ ગાયકવાડે વડોદરાની જેલનું નિર્માણ કરાવ્યું હતું

સને 1880માં ગાયકવાડ શાસન દરમિયાન વડોદરા સ્ટેટમાં ગુનાખોરીનું પ્રમાણ વધતાં શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડે દિવાનજી સર.ટી.માધવરાવ તથા એજન્ટ ગર્વનર જનરલ પી.એસ.મેલવીલ એસ્કવાયરે મળી વડોદરા મધ્યે એક જેલ બનાવાનો નિર્ધાર કર્યો હતો. જે બાદ સ્ટેટ એન્જિનિયર કનોજીલ એસ્કવાયરે તથા કોન્ટ્રાક્ટર કરીમજી અલીએ કામ હાથ પર લીધું હતું. સને 1881માં વડોદરા સેન્ટ્રલ જેલનું નિર્માણ થયું હતું.

વડોદરા સેન્ટ્રલ જેલ 26 એકરમાં ફેલાયેલી છે. જેમાંથી આશરે પાંચ એકરમાં મહિલા જેલનું બાંધકામ થયું છે. જ્યારે 15 એકરમાં સ્ટાફ ક્વોટર્સ, સેલરૃમ, એસઆરપી બેરેકનું બાંધકામ થયેલું છે. જ્યારે 13.86 એકર ખુલ્લી જગ્યાનો ખેતીવાડી માટે ઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published.