833 Total Views
અગીયારસના દિવસે સૌથી વધુ ૫૯ હજાર રૃપિયાની આવક મેળવી હતીઃમુસાફરોએ ઉત્સાહભેર આ સુવિધાનો લાભ લઇ મુસાફરી કરી
ગાંધીનગર:દિવાળીના પર્વમાં લોકોને સરળતાથી એસટીની ટિકીટો પ્રાપ્ત થઇ શકે તે માટે તંત્ર દ્વારા ઓનલાઇન બુકીંગ શરૃ કરવામાં આવ્યું હતું. જેનો આ વર્ષે સારો એવો પ્રતિસાદ સાપડયો હોય તેમ ઉત્સાહભેર એડવાન્સમાં ટિકીટ બુકીંગ કરાવીને મુસાફરીનો લાભ લીધો હતો. ગાંધીનગર ડેપો દ્વારા દિવાળીના દિવસોમાં આ સુવિધા ચાલુ રાખવામાં આવતાં નવ દિવસ દરમિયાન ૧૧૦૦થી વધુ ટિકીટોનું ઓનલાઇન બુકીંગ થયું હતું. જેના થકી ૩,૭૦,૦૦૦ની આવક પ્રાપ્ત થઇ છે.
દર વર્ષે દિવાળીના પાવન પર્વમાં રજાઓનો માહોલ તેમજ બાળકોને પણ વેકેશન હોવાના કારણે પણ મોટા ભાગના પરિવારો ઉજવણી કરવા માટે માદરે વતન જતા હોય છે. ત્યારે ઘણા લોકો આ તહેવારમાં પ્રવાસનું આયોજન કરતા હોય છે અને વિવિધ સ્થળોની મુલાકાત લઈને પર્વને માણે છે. આમ,પર્વ અગાઉ અવરજવરમાં સરળતા મળી શકે તે માટે રેલ્વે અને ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન બુકિંગ કરાવી દેતા હોય છે. ત્યારે એસ.ટી નિગમ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેનો લોકો ઉત્સાહભેર લાભ લીધો હતો. મોટાભાગના ડેપોમાં ઓનલાઈન ટિકિટ બુકિંગનું કાઉન્ટર ઉભુંકરવામાં આવેલું છે. ત્યારે દિવાળીના દિવસોમાં બુકિંગમાટે ભારે ભીડ પણ જોવા મળતી હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે દિવાળી પર્વની ઉજવણી ફીક્કી થઈ ગઈ હતી. ત્યારે આ વર્ષે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાના કારણે સરકાર દ્વારા પણ તહેવારની ઉજવણીમાં વિવિધ છુટછાટો આપવામાં આવી છે. જેથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હોય તે પ્રમાણે આયોજન હાથ ધરીને ઓનલાઇન રીઝર્વેશન કરાયું હતું. ત્યારે ૩૧ તારીખથી અત્યાર સુધીમાં શહેરના મુસાફરોએ ૧૧૦૦થી વધુ ટિકીટોનું બુકીંગ કરાવ્યું હતું. જેના થકી ડેપોની આવકમાં વધારો થવા પામ્યો છે. તા.૧ નવેમ્બર એટલે કે અગીયારસના રોજ ઓનલાઇન રીઝર્વેશનથી ૫૯ હજાર રૃપિયાની આવક મેળવી હતી. તો બીજી તરફ નવા વર્ષના દિવસે ૧૪ હજાર રૃપિયાની ટિકીટોનું ઓનલાઇન વેચાણ થયું હતું. તો દિવાળીના દિવસોમાં ઉત્સાહભેર નગરજનોએ ગાંધીનગર ડેપોમાં ઓનલાઇન ટિકીટો બુક કરાવી હતી. જેના થકી રૃપિયા ૩,૭૦,૦૦૦ની આવક પ્રાપ્ત થઇ છે.