GUJARAT

ઈંધણના ભાવમાં ફરી ઊછાળો, દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૯૨.૩૪ની વિક્રમી સપાટીએ

 797 Total Views

દેશમાં પેટ્રોલમાં ૨૩ પૈસા અને ડીઝલમાં ૩૪ પૈસાનો વધારો

મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૬૫ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૦.૧૧ : દિલ્હીમાં ડીઝલ રૂ. ૮૨.૯૫

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવારે ફરી વધારો નોંધાતા દેશમાં ઈંધણના ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. આ સપ્તાહમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો હતો. દેશમાં શુક્રવારે પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૯ પૈસા અને ડીઝલમાં ૩૪ પૈસાનો વધારો કરાયો હતો. ઈંધણના ભાવમાં વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૨.૩૪ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૨.૯૫ની સર્વોચ્ચ વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. દેશમાં કેટલાક સ્થળો પર પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે. હવે મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ  રૂ. ૧૦૦ની નજીક પહોંચી ગયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૬૫ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૦.૧૧ થયો છે.

રાજ્યોના વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને ફ્રેઈટ ચાર્જીસના કારણે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર વેટ સૌથી વધુ છે. ત્યાર પછી મધ્ય પ્રદેશ બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. જોકે, બીજી મેએ પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામ જાહેર થતાં ૧૮ દિવસના સમયગાળા પછી ૪થી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો શરૂ થયો હતો. ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલમાં આઠમી વખત ભાવ વધારો થયો છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાના કારણે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘું છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટ રૂ. ૧૦૩.૨૭ પૈસા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૭૦ છે. આ મહિનામાં આઠ વખતના ભાવ વધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૧.૯૨ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૨૨નો વધારો થયો છે.

ગયા વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઐતિહાસિક તળીયે હતા તે સમયે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડયુટીમાં તોતિંગ વધારો કર્યો હતો. તે સમયે એક્સાઈઝ ડયુટી પેટ્રોલ પર રૂ. ૨૨.૭૫ અને ડીઝલ પર રૂ. ૨૦.૬૬ વધારવામાં આવી હતી. પરિણામે રીટેલ ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ઘટાડાનો લાભ મળ્યો નહોતો. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ઊછાળાનો બોજ સરકારી ઓઈલ કંપનીઓ રીટેલ ગ્રાહકોના માથી નાંખી રહી છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્ર અને રાજ્યોના કરનો બોજ પેટ્રોલમાં પ્રતિ લીટર ૬૦ ટકા અને ડીઝલ પર ૫૪ ટકા જેટલો છે.  કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૩૨.૯૦ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૩૧.૮૦ એક્સાઈઝ ડયુટી વસૂલવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.