GUJARAT

વાતાવરણ માં વારંવાર પલટો આવતાં ખેડૂતો ની ચિંતા વધી ગઈ છે.

 1,454 Total Views

નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્ય ના વિવિધ ભાગોમાં હવામાન માં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ (Unseasonal Rains) જેવો માહોલ પણ સર્જાયો છે. વારંવાર વાતાવરણમાં પલટો (Climate change) આવતાં ખેડૂતો (Farmers)ની ચિંતા વધી ગઈ છે. જો કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાક (Winter crops)ને મોટુ નુકશાન થવાની ભીતિ છે. રાજ્યમાં ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી (Forecast) પણ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળો ઘેરાવા સાથે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 1 ડિગ્રી જેટલો ઊંચકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારે ધુમ્મસ છવાઈ જતાં લોકો પાંચથી સાત ફૂટ દૂરનું પણ જોઈ શકતા નહોતા. ધુમ્મસના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ બુધવાર અને ગુરૂવારે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આ વિસ્તારોમાં હાડ થિજવતી ઠંડી પડશે. જાન્યુઆરી મહિનામા ઠંડીનું જોર વધશે. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાનનો પારો 09 ડિગ્રીથી નિચે ગગડવાનો સિલસિલો રહ્યો છે.

આગામી દિવસ દરમિયાન પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને સાબરકાંઠામાં રવિવારે રાત્રે બાયડ, માલપુર અને મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ થયા બાદ મોડી રાત્રે હિંમતનગર, ઈડર, વિજયનગર, વડાલી અને ભિલોડા પંથકના પણ કેટલાક ગામોમાં માવઠું થયું હતું.

Leave a Reply

Your email address will not be published.