GUJARAT

દર્દીઓને સુવિધા આપવામાં નિષ્ફળ સરકાર સામે નો ટેક્સ એજિટેશન થશે

 952 Total Views

– મિની લૉકડાઉનથી વેપાર-ઉદ્યોગાની કરોડરજ્જૂ તૂટી

– વેપારીઓના તૂટી રહેલા ધંધાથી પરેશાની વધી : સવારે નવથી બપોરના બે વાગ્યા સુધી ધંધો કરવાની છૂટ આપવા માગણી

– નાના વેપારીઓને તકલીફ ન પડે તેની દરકાર રાખવાના હાઈકોર્ટના સૂચનનો અનાદર

અમદાવાદ : કોરોનાનો શિકાર બનેલા દર્દીઓને ઓક્સિજન, દવાઓ અને હોસ્પિટલમાં બેડ આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી હોવાનું જણાવીને વેપારીઓ સરકાર સામે ના કર એટલે કે કરવેરો ન ભરવાનું આંદોલન છેડવા તૈયાર થઈ રહ્યા છે. સરકાર પૈસા ક્યાં ખર્ચે છે તેની પ્રજાને જાણકારી મળવી જરી છે. સરકાર પૈસાની અછતને નામે કોરોનાના દર્દીઓને સુવિધાથી વંચિત રાખી રહી છે તે ઉચિત નથી. સરકારે ઓક્સિજનના ૧૧ પ્રોડક્શન યુનિટ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ આ વાતને આજે ૧૫ દિવસ થઈ ગયા હોવા છતાંય સરકાર એક પણ પ્લાન્ટ ઊભો કરી શકી નથી. પરિણામે કોરોનાનો શિકાર બનેલા દર્દીઓ પરેશાન છે. સરકાર સુવિધા ઊભી ન કરી શકી હોવાથી દર્દીઓ ગમે ત્યારે મરી જવાના ભય હેઠળ જીવી રહ્યા છે. આ સંજોગોમાં વેરા ન ભરીને વેપારીઓ અને લોકો સરકાર સામે વિરોધ નોંધાવવા પાંચમી મેથી કલેક્ટર કચેરી પાસે ગુજરાત મર્ચન્ટ ચેમ્બર ધરણા યોજશે.

હોસ્પિટલમાં સુવિધાને અભાવે કોરોનાનો દર્દી ન મરવો જોઈએ તેવા હાઈકોર્ટના આદેશનું પણ ગુજરાત સરકાર પાલન કરી શકી નથી. તેથી વેપારીઆલમ અને પ્રજા તેમનાથી નારાજ છે. બીજીતરફ રાતના આઠથી સવારે છ વાગ્યા સુધીનો કરફ્યુ રાખવાની જાહેરાત કર્યા પછી અન્ય કોઈ જાહેરાત કર્યા વિના વેપાર ધંધા પોલીસ બંધ કરાવીને વેપારી આલમની તકલીફ વધારી રહી છે. તેથી તેમના ધંધા તૂટી રહ્યા છે. તેમ જ તેમની આર્થિક હાલત ખરાબ થઈ રહી હોવાની બૂમ ઊઠી છે. રીલીફ રોડના વેપારીઓએ આ મુદ્દે વિરોધ કરવા માંડયો છે. તેમનો વેપાર બંધ કરાવીને ઓનલાઈન વેપાર ચાલુ રાખ્યો હોવાથી તેઓ ધંધો ગુમાવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે.

તેમનું કહેવું છે કે કોરોના વાઈરસની ચેઈન તોડવા માટે નાના વેપારીઓને તેમની દુકાન બંધ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ તેઓ ઓનલાઈન બિઝનેસ કરતી કંપનીઓને છૂટ આપી રહી હોવાથી નાના વેપારીઓના ધંધા તણાઈ ગયા છે. રીલિફ રોડ ઇલેક્ટ્રોનિક્સના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના એસોસિયેશનના સભ્યોનું કહેવું છે કે ઊનાળામાં વેપાર થશે તેવી ગણતરીથી અમે એરકન્ડિશનર, ફ્રીજ, પંખા, કૂલર સહિતની વસ્તુઓ બૅન્ક પાસેથી લોન લઈને ભરી રાખી છે. આજે ભરઊનાળે વેપાર કરવાનો સમય છે ત્યારે અમને દુકાનો ખોલવા દેતા જ નથી. આ સંજોગોમાં અમારો માલ વેચાતો નથી. બીજી તરફ ઓનલાઈન કંપનીઓને વેપારની છૂટ હોવાથી તેઓ વેપાર કરી રહ્યા છે. તેમના વેપાર પર પણ રોક લગાવવી જરૂરી છે.

તેમ નહિ કરવામાં આવે તો અમારા બજારના વેપારીઓ લોનના પૈસા ભરી શકશે નહિ. તેમના ટર્નઓવર ન થતાં હોવાથી ઇશ્યૂ કરેલા ચેક ક્લિયર કરાવવાના પૈસા બેન્કમાં જમા કરાવી શકતા નથી. તેમના ધંધા સાવ જ બંધ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે અમને સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી અમારો માલ ડિસ્પેચ કરવાની છૂટ આપવી જોઈએ. તેમ કરવાથી અમારા થોડા ગણા ધંધા ચાલુ રહેશે તો અમે જેમની પાસેથી માલ ખરીદ્યો છે તેમને ચૂકવવાના નાણાં ચૂકવી શકાશે. અન્યથા તેમને આપેલા પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન થશે. બૅન્કની લોન ભરપાઈ કરવામાં તકલીફ પડી જશે.

Leave a Reply

Your email address will not be published.