GUJARAT

નકલી રેમડેસિવિરના પણ કાળાબજાર ! હોટલ હયાતમાં રુમ રાખી ચલાવાતું રાજ્યવ્યાપી કૌભાંડ પકડાયું

 1,208 Total Views

– ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડામાં ટ્રેપ ગોઠવીઃ વડોદરાથી 5000 નકલી ઇન્જેક્શનનો ઘટસ્ફોટ પણ થયો

– ચાંગોદરની કંપનીમાંથી 150 રુપિયાની કિંમતની દવા ખરીદી તેના ઉપર પાલડીમાં છપાવેલાં સ્ટિકર લગાવી 10-12 હજારમાં વેચાણ! અમદાવાદથી છ, વડોદરાના બે સૂત્રધાર ઝબ્બે

અમદાવાદ : રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર પકડીને ઊંડી તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડી પાડયું છે. ચાંગોદરની કંપનીમાંથી ૧૫૦ રુપિયાની કિંમતની દવા ખરીદીને એ બોટલ ઉપર પાલડીમાં છપાવેલા રેમડેસિવિરના નકલી સ્ટીકર વડોદરામાં લગાવીને નકલી રેમડેસિવિર તરીકે વેચી હજારો રુપિયા કમાવાનું કૌભાંડ ચલાવાતું હતું. રેમડેસિવિરના કાળાબજારની ટ્રેપમાં બે યુવક પકડાયા પછી ક્રાઈમ બ્રાન્ચે હોટલ હયાતમાં દરોડો પાડી નકલી ઈન્જેક્શનના અમદાવાદના એજન્ટ નિતેષ જોષીને ૧૦૩ નકલી ઈન્જેક્શન તેમજ ૨૧ લાખ રોકડા સાથે ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાંથી કુલ છ આરોપીને પકડી પાડયાં છે. હવે, નકલી રેમડેસિવિર કૌભાંડના સુત્રધાર મનાતા વડોદરામાં ફાર્મા-સર્જીકલનો ધંધો કરતા વિવેક મહેશ્વરી અને તેના મિત્ર દિશાંતને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. અમદાવાદનો નિતેષ ૫૦૦ તેમજ આ ગેંગ અત્યાર સુધીમાં ૫૦૦૦ જેટલા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન વેચાણમાં મુકી દેવાયાં હતાં. જો કે, ક્રાઈમ બ્રાન્ચે રાજ્યના નાના-મોટા શહેરોમાં વેચાણ માટે મોકલી દેવાયેલા નકલી રેમડેસિવિરનું વેચાણ અટકાવવા કવાયત શરુ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨૪ જ કલાકમાં હેટ્રીક કરીને નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું એક કૌભાંડ અને બે કાળાબજાર પકડી પાડયાં છે. વડોદરા અને અમદાવાદના ત્રણ શખ્સો દ્વારા માત્ર ૧૫૦ રુપિયાની એન્ટીબાયોટીક ચાંગોદરાથી ખરીદી એ બોટલનું સ્ટીકર કાઢી રેમડેસિવિરનું પોતે પાલડીમાં છપાવેલું સ્ટીકર લગાવી કૌભાંડ ચલાવાતું હતું. ૧૫૦ રુપિયાની એન્ટીબાયોટીક દવાને એન્ટીવાઈરલ (નકલી) રેમડેસિવિર તરીકે ૧૦થી ૧૨ હજારમાં વેચવામાં આવતી હતી તે એજન્ટો, પેટા એજન્ટો થકી દર્દી સુધી ૨૦થી ૨૫ હજારમાં પહોંચતી હતી. કાળાબજારના બે કિસ્સામાં એસવીપીનો નર્સિંગ કર્મચારી ૩ રેમડેસિવિર સાથે પકડાયો છે. જ્યારે, ચાંગોદરાના ઝાયડસ બાયોટેકનો કર્મચારી કંપનીમાંથી સ્ટીકર વગરના ઈન્જેક્શન લાવતો હતો તે બાપુનગરમાં મળતિયાઓ સાથે હજારો રુપિયામાં વેચતો હતો. આવા ૨૪ ઈન્જેક્શન કબજે કરવામાં આવ્યાં છે. કુલ ત્રણ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે અસલી અને નકલી મળી કુલ ૧૬૦ ઈન્જેક્શન ઉપરાંત ૧૪ આરોપીને ઝડપી પાડયાં છે.

ગુજરાતવ્યાપી નકલી રેમડેસિવિર કૌભાંડની ફરિયાદની વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. ડી.બી. બારડ અને ટીમે બાતમીના આધારે ચાંદખેડામાં ટ્રેપ ગોઠવી હતી. પીએસઆઈ એસ.જે. દેસાઈ, એમ.એચ. શિણોલ અને ટીમે સનપ્રિત ઉર્ફે સની રાજેન્દ્રસીંગ ઠાકુર અને જય ઉર્ફે સની હરવિંદરસિંગ વિરધીને ૨૦ ઈન્જેક્શન સાથે પકડી પાડયા હતા. આ શખ્સો પાસે અસલી રેમડેસિવિર નહીં પણ નકલી ઈન્જેક્શન હોવાની શંકા જતાં તપાસ સઘન બનાવવામાં આવી હતી.

સાબરમતી અને ન્યુ રાણીપમાં રહેતાં બે સની નામધારી યુવકો આ ઈન્જેક્શન પાલડીના રાજ વોરા પાસેથી લાવ્યા હોવાની વિગતો ખુલી હતી. પ્રિતમનગર અખાડા પાછળ ચન્દ્રપ્રભુ એપાર્ટમેન્ટમાં રાજ જસ્મીનભાઈ શાહના ઘરે ક્રઆઈમ બ્રાન્ચે તપાસ કરતાં વધુ ૧૦ નક્લી ઈન્જેક્શન મળ્યાં હતાં. ત્રણ મિત્રો પાસેથી કુલ ૩૦ ઈન્જેક્શન મળતાં પૂછપરછમાં રાજ વોરાએ નકલી રેમડેસિવિર ૧૨૦૦૦ના ભાવે વસ્ત્રાપુરની હયાત હોટલમાં રોકાયેલાં નિતેષ કૈલાશકુમાર જોષી (ઉ.વ. ૩૧, રહે. મહાદેવ રેસીડન્સી, નરોડા) પાસેથી લાવ્યો હોવાની કેફીયત આપી હતી.

ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી. ચુડાસમાએ કૌભાંડની ગંભીરતા સમજી જેસીપી પ્રેમવિરસિંગ તેમજ ડીસીપી ચૈતન્ય માંડલિકને તરત જાણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાવી દેવામાં આવી હતી. પી.આઈ. બારડ અને ટીમ હોટલ હયાતના રુમ નંબર ૧૫૦૯માં પહોંચી હતી. આ રુમમાંથી નરોડાનો નિતેષ કૈલાશકુમાર જોશી અને શક્તિસિંહ ભવાનીસિંહ રાવત (રાજપૂત) મળી આવ્યાં હતાં. રુમમાં તલાશી લેતાં કુલ ૧૦૩ ઈન્જેક્શન અને ડુપ્લિકેટ વાયલ્સના વેચાણથી મેળવલા ૨૧,૦૪,૭૦૦ (૨૧ લાખ) પણ કબજે કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ડુપ્લિકેટ ૧૩૦ ઈન્જેક્શન કબજે કરી સુત્રધાર જણાયેલા નિતેષ જોષીની સઘન પૂછપરછ શરુ કરી હતી.

નિતેષ જોશીએ કેફીયત આપી હતી કે, નકલી રેમડેસિવિર વાયલ્સની સિન્ડીકેટમાં તેની સાથે વડોદરાનો વિવેક મહેશ્વરી છે. વડોદરા સિધ્ધાર્થ બંગલોઝમાં મહેશ્વરી ફાર્માસ્યુટીકલ અને સર્જીકલ નામે ધંધો કરતાં વિવેક ઘનશ્યામભાઈ મહેશ્વરી અને તેના મિત્ર દિશાંતભાઈ જગદીશભાઈ માલવિયા (રહે. શ્રીજીધામ સોસાયટી, નોવિનો રોડ, વડોદરા) નકલી ઈન્જેક્શન તૈયાર કરીને આપે છે. ચાંગોદરમાં આવેલી ફાર્મા કંપનીમાંથી રેમડેસિવિર જેવા જ પાઉડર ફોર્મમાં આવતી એન્ટીબાયોટીકની બોટલો ૧૦૦ રુપિયા અને ટેક્સ ચૂકવીને ખરીદવામાં આવતી હતી. પાલડીમાં રહેતા અને રાયપુરમાં પ્રિન્ટીંગ કામ કરતાં પારીલ પારિતોષભાઈ પટેલ પાસે રેમડેસિવિરના નકલી સ્ટીકરો અને બનાવટી બોક્સ તૈયાર કરાવવામા આવતાં હતાં.

ચાંગોદરથી ખરીદેલા એન્ટીબાયોટીકની બોટલો પરથી ઓરોજીનલ સ્ટીકર કઢાવી પોતે છપાવેલા રેમડેસિવિરના નકલી સ્ટીકર લગાવડાવતા હતા. આ માટે દિશાત માલવિયાએ વડોદરાના ધનિયાવી રોડ પર દારુપુર હંસનભાઈ પટેલના ફાર્મની જગ્યા ૧૨૦૦૦ના ભાડે રાખી હતી. રેમડેસિવિરના નકલી સ્ટીકર લગાવવા અને બોક્સ પેકીંગ કવરા માટે હર્ષિલ પટેલ નામના વ્યક્તિને રાખવામાં આવ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા પોલીસની ટીમે વિજળીક ગતિએ કામગીરી કરીને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન કૌભાંડ પકડી પાડયું છે. અમદાવાદના સુત્રધાર નિતેષ જોષી, તેના મિત્ર શક્તિસિંહ રાવત ઉપરાંત એજન્ટો જય ઠાકુર, સનપ્રિત વિરધી, રાજ વોરા, પ્રિન્ટીંગ પ્રેસ સંચાલક પારીલ પટેલને ઝડપી લેવાયા હતા. વડોદરાથી દિશાંત માલવિયા ઝડપાયો છે. જ્યારે, ફાર્મા બિઝનેશમેન વિવેક મહેશ્વરીન ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ દર્શાવ્યો છે.

ચોંકાવનારી બાબત એ છે કે, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ૫૦૦૦ જેટલા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બજારમાં વેચવા માટે મુકી દેવામાં આવ્યાં છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, અમદાવાદ, વડોદરા, મોરબી, બનાસકાંઠા સહિત રાજ્યના અનેક વિસ્તારમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન પહોંચતા કરી દેવાયાં છે. માત્ર ૧૫૦ રુપિયામાં પડતાં નકલી રેમડેસિવિર ૧૦થી ૧૨ હજારમાં વેચાતા હતા જેની એજન્ટો, પેટા એજન્ટો થકી દર્દી સુધી પહોંચતાં ૨૦થી ૨૫ હજારની કિંમત વસૂલાતી હતી. ક્રાઈમ બ્રાન્ચે અત્યારે તો રાજ્યભરમાં ફરતા થયેલાં નકલી રેમડેસિવિરનો ઉપયોગ ન થાય તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

જીવ બચાવવાની લહાયમાં કૌભાંડીઓનો ભોગ ન બનતાં

સ્વજનનો કોરોના થયો હોય અને ડોક્ટર રેમડેસિવિરની વ્યવસ્થા કરવા કહે એટલે સ્વાભાવિક જ દોડધામ થઈ પડે. મિત્રોની મદદ માગવામાં આવે એટલે સોશિયલ મિડિયા પર મેસેજીસ વહેતાં થાય અને ક્યાંકથી રેમડેસિવિરનો જુગાડ થઈ જાય ત્યારે હાશ થાય. જીવ બચાવવાની અફરાતફરીમાં ક્યાંક કૌભાંડીઓનો ભોગ બની સ્વજનોની જીંદગી જોખમમાં આવી જાય અથવા તો ભવિષ્યમાં આડઅસરનો ભોગ બને તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સ્વજનનો જીવ બચાવવાની ચિંતાનો ગેરલાભ લઈને તેમજ સરકારી તંત્રના અપૂરતા આયોજનના કારણે જ નકલી રેમડેસિવિર કૌભાંડ કે રેમડેસિવિરના કાળાબજાર ચાલી રહ્યાં છે. આપત્તિની પરિસ્થિતિમાં સ્વજન માટે વધુ સમસ્યા ન સર્જાય તે માટે સતર્કતા પણ આવશ્યક બની છે.

કૌભાંડ-1 : 150 રુપિયાની એન્ટીબાયોટીક દવાને એન્ટીવાઈરલ રેમડેસિવિર ગણાવી 20થી 25 હજારમાં દર્દીને વેચાણ !

ફાર્માસ્યુટીકલ અને સર્જીકલનો વ્યવસાય કરતા વડોદરાના વિવેક મહેશ્વરી, દિશાંત અને અમદાવાદનો નિતેષ જોશી કોરોના કાળમાં પીપીઈ કીટના વ્યવસાયમાં સંપર્કમાં આવ્યાં હતાં. આ ત્રિપૂટીએ ચાંગોદરની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી રેમડેસિવિર જેવી જ દેખાતી એન્ટીબાયોટિકની બોટલો ખરીદવાનું શરુ કર્યું હતું. માત્ર ૧૦૦ રુપિયાની કિંમતની તેમજ જીએસટી વગેરે ગણતાં વધીને ૧૫૦ રુપિયાની કિંમતમાં બોટલ ખરીદવામાં આવતી હતી. પાઉડર ફોર્મમાં જ રહેલાં એન્ટીબાયોટિકની બોટલો ઉપર પાલડીમાં છપાવેલાં રેમડેસિવિરના ઈન્જેક્શન હોવાના રેપર લગાવી દેવામાં આવતાં હતાં. એન્ટીબાયોટિક પાઉડરને નકલી એન્ટીવાઈરલ રેમડેસિવિર ઈન્જેક્શન પાઉડર બનાવી દેવામાં આવતાં હતાં. માંડ ૧૫૦ રુપિયાની એન્ટીબાયોટિકની બોટલ નકલી રેમિડેસિવિર મુખ્ય સુત્રધાર વડોદરાના વિવેક મહેશ્વરી, દિશાંત અને અમદાવાદનો નિતેષ જોષી ૧૦થી ૧૨ હજાર રુપિયામાં વેચતા હતા. તેમના એજન્ટો આ ઈન્જેક્શન ૧૫૦૦૦થી ૧૬૦૦૦ રુપિયામાં પેટા એજન્ટને વેચતા હતા. પેટા એજન્ટ પાસેથી નકલી રેમડેસિવિર દર્દી સુધી પહોંચે ત્યાં ભાવ ૨૦થી ૨૫૦૦૦ થઈ જતો હતો. આમ, માત્ર ૧૫૦ રુપિયાની એન્ટીબાયોટીકના ૨૫૦૦૦ રુપિયા સુધી વસુલાયા હોવાની વિગતો ક્રાઈમ બ્રાન્ચની ટીમની તપાસમાં ખૂલી છે.

કૌભાંડ-2 એસવીપીનો પુરુષ નર્સ 3 રેમડેસિવિર સાથે કાળાબજાર કરતાં પકડાયો

પાલડીના અંજલિ ચાર રસ્તા પાસે ટ્રેપ ગોઠવી ક્રાઈમ બ્રાન્ચે એસવીપી હોસ્પિટલના પુરુષ નર્સને ત્રણ રેમડેસિવિર ઈન્જેક્શન સાથે પકડી પાડયો છે. પોલીસને બાતમી મળી હતી કે, ફતેવાડીમાં રહેતો ઈફ્તેકાર અહમદ નકવી નામનો યુવક એસવીપી હોસ્પિટલમાં નર્સ છે અને આર્થિક ફાયદા માટે રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર કરે છે. ૨૩૦૦૦ રુપિયામાં એક ઈન્જેક્શન વેચવા માટે તૈયાર થયેલા ઈફ્તેકારને ટ્રેપ ગોઠવીને ત્રણ ઈન્જેક્શન સાથે પકડી પાડવામાં આવ્યો હતો. મુળ રાજસ્થાનના ઈફ્તેકારે પોતે આ ઈન્જેક્શન પોતાના ગામના જ સોહેલ નકવી પાસેથી ૧૨૦૦૦ રુપિયામાં એક ઈન્જેક્શનના ભાવે લઈ આવ્યો હતો. આમ, એક ઈન્જેક્શન પર ૧૧૦૦૦ રુપિયાનો નફો કરવા જતાં ત્રણ ઈન્જેક્શન સાથે એસવીપીનો મેઈલ નર્સ ઈફ્તેકાર પકડાયો છે. સોહેલ નકવીને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે.

કૌભાંડ-3 ઝાયડસમાંથી કર્મચારીએ લાવેલા સ્ટિેકર વગરના 24 રેમડેસિવિર બાપુનગરમાં પકડાયા

ક્રાઈમ બ્રાન્ચે ઝાયડસ હોસ્પિટલમાં કર્મચારી લઈ આવે તે સ્ટીકર વગરના રેમડેસિવિર ઈન્જેક્શન બાપુનગરમાં વેચાતું હોવાનું કૌભાંડ પકડી પાડયું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાપુનગરમાં આવેલા ખોડિયારનગર ચાર રસ્તા પાસે જય સતાધારનગર વિભાગ-૪માં પટેલ પ્રિન્ટિંગ નામની દુકાનમાં દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડીને નિકોલમાં રહેતા હાર્દિક ધનજીભાઈ વસાણી, મિલનભાઈ ગભરુભાઈ સવસવીયા અને દેવલ દિનેશભાઈ કસવાળાને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શનની ૨૪ બોટલો પકડી પાડવામાં આવી હતી. પોલીસ તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, મિલન સવસવિયા ચાંગોદર ખાતે આવેલા ઝાયડસ બાયોટેક પાર્કમાં નોકરી કરતો હતો. કંપનીના અધિકારીઓની જાણ બહાર તે રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટિકર વગરનો જથ્થો લાવતો હતો. આવા ઈન્જેક્શન આર્થિક ફાયદા માટે હાર્દિક વસાણી અને દેવલ કસવાળા સાથે મળી મિલન સવસવિયા વેચાણ કરતો હતો. કુલ ૪૧૫૭૬નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદની એસવીપી હોસ્પિટલના પૂર્વ કર્મચારી

નિતેષ જોશીએ અમદાવાદમાં 700 ડુપ્લિકેટ ઇન્જેક્શનો સપ્લાય કર્યા

– નર્સિંગ કરનાર નિતેષ રેમડેસિવિરના લેબલો અને બોક્સ મોકલતો હતો,ન્યુમોનિયાની દવા ચાંગોદરથી ખરીદતા હતા

વડોદરામાંથી પકડાયેલી ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનો બનાવતી ફેક્ટરીના ભાગીદાર મનાતા અમદાવાદના મેલ નર્સ નિતેષ જોશીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

રાઘવપુરામાં ડુપ્લિકેટ ઇન્જેક્શનો બનાવવામાં ભાગીદાર નિતેષ જોશી દસ દિવસ પહેલાં જ વિવેક મહેશ્વરીને આણંદમાં મળ્યો હતો અને બંનેએ ભેગા મળીને ડુપ્લિકેટ ઇન્જેક્શનો બનાવી તેને રાજ્યભરમાં સપ્લાય કરવાનો પ્લાન ઘડયો હતો. પોલીસ કમિશનરે કહ્યું છે કે,નિતેષ જોશી અગાઉ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કામ કરતો હતો.જેથી તે દવાઓનો જાણકાર હતો.નિતેષે જ ડુપ્લિકેટ ઇન્જેક્શનો બનાવવા માટે હેટરો અને જ્યુબી કંપનીના લેબલો તેમજ પૂંઠાના બોક્સ સપ્લાય કર્યા હતા.

કોરોનાના દર્દીઓ સાથે મોતના સોદાગરોનો ખૂની ખેલ

વડોદરાની ફેક્ટરીમાંથી 2200 ડુપ્લિકેટ ઈન્જેક્શનો ઝડપાયા

વડોદરા પાસે રાઘવપુરા ગામે દરોડો પાડી ડુપ્લિકેટ રેમડેસિવિર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી તેના સંચાલકને દબોચી લીધો છે. રેમડેસિવિર ઇંજેક્શનો ચાર થી પાંચ ગણી કિેમતમાં વેચવાના ષડયંત્રને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાની માહિતીના આધારે પોલીસે ખુલ્લુંે પોડી ૯૦ ઇંજેક્શનો સાથે આણંદના સપ્લાયર જતિન પટેલ તેમજ વડોદરાના ચાર એજન્ટો મળી કુલ પાંચ કૌભાંડીની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જતિન પટેલે આણંદના શાહી મેડિકલ સ્ટોરમાંથી ૩૬૦ ઇંજેક્શનો મેળવ્યા હોવાની વિગતો ખૂલતાં પોલીસે શાહી મેડિકલની સંચાલિકા નઇમ વોરાની પૂછપરછ કરી હતી.

આણંદના શાહી મેડિકલ સ્ટોરમાં રેમડેસિવિરના ડુપ્લિકેટ ઇંજેક્શનો વડોદરાના સમા-સાવલી રોડ પર રહેતા મૂળ રાજસ્થાનના બાડમેરના વતની વિવેક ઘનશ્યામ મહેશ્વરી (સિધ્ધાર્થ વાટિકા,રિધમ હોસ્પિટલ પાસે)એ સપ્લાય કર્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ આર સોલંકી અને પીઆઇ વી આર ખૈર ની ટીમે ગઇરાતે વિવેકને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. વિવેકની પૂછપરછ બાદ પોલીસે વડોદરા પાસે તરસાલી-ધનિયાવી રોડ પર આવેલા રાઘવપુરા ખાતેના ફાર્મ પર દરોડો પાડી ન્યૂમોનિયાની દવાની બોટલ પર રેમડેસિવિરના ઇંજેક્શનોના લેબલ લગાવી બોક્સમાં ઇંજેક્શનો પેક કરતી ફેક્ટરી ઝડપિ હતી.

પોલીસે ફેક્ટરીમાં સ્ટીકરો,બોક્સ તેમજ રેમડેસિવિરના ૧૨૮૯ ઇંજેક્શનો સહિતની સામગી કબજે કરી હતી.કૌભાંડીઓએ ૧૦૬૦ ઇંજેક્શનો બજારમાં વેચી માર્યા હતા.

ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનોના કૌભાંડમાં આણંદ ખાતે

બી.ફાર્મ. પુત્રવધૂના લાઇસન્સ પર શાહી મેડિકલ સ્ટોર ચલાવતી સાસુ ઝડપાઇ

સાસુનો ધોરણ-8 સુધી અભ્યાસ,360 ડુપ્લિકેટ ઇન્જેક્શનો મેળવી જતિન પટેલને આપ્યા હતા

ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનોના કૌભાંડમાં પોલીસે આણંદમાં મેડિકલ સ્ટોર ચલાવતી મહિલાની ધરપકડ કરી છે. વડોદરાના એજન્ટોને ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનો આપનાર આણંદના જતિન પટેલની પોલીસે ધરપકડ કરી હતી.જતિને રેમડેસિવિર ઇન્જેક્શનો આણંદના ઇસ્માઇલ નગરમાં શાહી મેડિકલ સ્ટોર ધરાવતા નઇમબેન હનિફભાઇ વોરા (ઇસ્માઇલ નગર,ફૈઝાન હોસ્પિટલ પાસે,ભાલેજ રોડ,આણંદ) પાસે મેળવ્યા હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ધોરણ-૮ સુધી અભ્યાસ કરનાર નઇમબેનનો પુત્ર મુસ્તકિન બીબીએ ભણેલો છે અને પુત્રવધૂ મુબીના બી.ફાર્મ.થયેલી છે.પુત્રવધૂ પ્રેગનન્ટ થતાં નઇમબેન મેડિકલ સ્ટોર ચલાવતી હતી.નઇમબેન પાસે ડુપ્લિકેટ રેમડેસિવિર બનાવતો વિવેક મહેશ્વરી આવ્યો હતો અને જેટલા ઇન્જેક્શનોની જરૂર હોય તેટલા સપ્લાય કરીશ તેમ કહી ૩૬૦ ઇન્જેક્શનો મોકલ્યા હતા.જે ઇન્જેક્શન પર રૂા.૨૦૦નો નફો મેળવી તેણે જતિન પટેલને ઇન્જેક્શનો આપ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

માનવહત્યા જેવું ગંભીર કૃત્ય કરનારાઓને ત્વરિત આકરી સજા ફટકારી દાખલો બેસાડવો જોઈએ

નકલી ઈન્જેક્શન એ જીવતા માણસને મોત સુધી ધકેલીને માનવહત્યા જેવું ગંભીર કૃત્ય છે. માનવજીંદગી સાથે આવી રમત એ માનવતાનો અપરાધ છે તો કાયદામાં પણ તેને સખત દંડની જોગવાઈ છે જ. માફ ન કરી શકાય તેવું કૃત્ય આચરનારાંઓને સરકાર અને પોલીસે આકરી સજા થાય તેવી ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. નકલી ઈન્જેક્શન રાજ્યભરમાં વેચાય તેવું ષડયંત્ર આચરનારાં આરોપીઓને કોર્ટે દાખલો બેસે તેવી સખત સજા કરવી જોઈએ. આ કૃત્ય માનવહત્યા જેવું ગંભીર છે અને આવું કૃત્ય કરનારાંઓને ત્વરિત આકરી સજા ફટકારી દાખલો બેસાડવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.