785 Total Views
જગવિખ્યાત સોમનાથ મદિરનું સાંનિઘ્ય કાયમી પ્રવાસીઓની આવન-જાવનથી ઘમઘમતુ હતુ પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા છ માસથી યાત્રાધામમાં પ્રવાસીઓનું આવન-જાવન નહીંવત હોવાના લીધે મંદિરના આસપાસના ઘંઘા-રોજગારો પડી ભાંગ્યા છે. સોમનાથ મંદિર પરીસર આસપાસ નાળીયેર, રમકડા, પૂજા-સામાન, પંચઘાતુની મુર્તીઓ, શંખ-સી સેલ જેવા પ્રકારની 150 જેટલી દુકાનો અને 250થી વધુ પાથરણાવાળા, 150થી વધુ શોપીંગ સેન્ટરના વેપારીઓ, 80 જેટલા ફોટોગ્રાફરો, 100 જેટલી રીક્ષાઓ, 100 જેટલી નાની-મોટી હોટલો, 40 જેટલા નાના-મોટા રેસ્ટોરન્ટો અને ભોજનાલયોના વેપાર-ઘંઘા કોરોના મહામારીના કારણે ઠપ્પ થઇ ગયા છે.
આ તમામ વ્યવસાય સાથે જોડાયેલા લોકો રોજેરોજની કમાણી કરી ગુજરાન ચલાવતા ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી હાલ તો તેઓને ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ પડી રહ્યું છે. યાત્રાધામ સોમનાથના વેપારીઓના મતે કોરોનાના કારણે ટ્રેન, બસ જેવા વાહન વ્યવહારો બંધ હોવાથી અન્ય રાજયોના પ્રવાસીઓ નહીવત આવી રહ્યા છે, જયારે સ્થાનિક સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ આવે તો ફકત દર્શન કરી તરત જ પરત ફરી જતા હોવાથી ખરીદી કરતા ન હોવાથી વેપારને માઠી અસર પહોંચી રહી છે.
સોમનાથના ઠપ્પ થઇ ગયેલા વેપાર-ઘંઘા અંગે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીના કારણે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા યાત્રીકોની સંખ્યામમાં 90 ટકા સુઘીનો નોંઘપાત્ર ઘટાડો થયો છે. જેની વ્યાપક અસર સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસો અને ભોજનાલયો સાથે સ્થાનિક વેપારી ધંધાને થઇ છે. દર વર્ષે શ્રાવણ માસમાં 25 લાખથી વધુ પ્રવાસીઓ સોમનાથ આવે છે જેની સામે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં માત્ર 1.80 લાખ પ્રવાસીઓ જ દર્શનાર્થે આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટા હસ્તજકના ગેસ્ટ હાઉસોમાં દરરોજ સરેરાશ 40થી 50 રૂમો બુક થતા જે હાલ ફકત પાંચ – સાત જ થઇ રહ્યા છે.
કાયમી પ્રવાસીઓની ચહલ પહલથી ધમધમતુ યાત્રાઘામ સોમનાથ હાલ સુનકાર ભાસતુ નજરે પડી રહ્યું છે. ખાસ કરીને સોમનાથના આશરે રોજગારી મેળવતા નાના-મોટા વેપારીઓને શ્રાવણ માસમાં સારા વેપારની આશા હતી, પરંતુ કોરોનાના કહેરના કારણે શ્રાવણ માસમાં દર વર્ષે આવતા પ્રવાસીઓની સંખ્યાના ફકત 10 ટકા જ આવ્યા છે. જેથી શ્રાવણ માસનો વેપાર પણ મહામંદી વચ્ચે પસાર થયો છે.