GUJARAT

ભચાઉ તાલુકાના ખડીર રણદ્વિપ વિસ્તારમાં આવેલા હડપ્પીય નગરના ધામ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર.

 1,564 Total Views

ભચાઉ તાલુકાના ખડીર રણદ્વિપ વિસ્તારમાં આવેલા હડપ્પીય નગરના ધામ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરવાના આયામો અમલી બની રહ્યા છે ત્યારે યુનેસ્કોના અધિકારીએ કરેલી બે દિવસની ફિલ્ડ વિઝિટ બાદ રવિવારે પુરાતત્વ વિભાગ, નેશનલ હાઈ વે, કચ્છ જિલ્લાના કલેકટર સહિતના અધિકારીઓ અને ધોળાવીરા ગ્રામ પંચાયતના સરપંચ સાથે બેઠક કરી હતી.

જેમાં એમ સ્પષ્ટપણે ચર્ચા કરવામાં આવી હતી કે, વર્લ્ડ હેરિટેજનો દરજ્જો ધોળાવીરા હડપ્પીય સાઈટને આપવામાં આવે તો આસપાસનો વિસ્તાર બફર ઝોન જાહેર કરાશે અને તેના ધારાધોરણો અમલી બનશે. દરમિયાન, આ માન્યતાના કારણે ખડીરના ૧૦ ગામના લોકો માટે મજબૂત બનનારા પ્રવાસનના કારણે રોજગારીની તકોમાં વધારો થશે. સાથે સાથે હડપ્પીય સાઈટના નજીકના વિસ્તારની જાળવણીની જવબાદારી સ્વીકારવા પણ પંચાયતના મોભીઓ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી.

બેઠક હકારાત્મક રહી હોવાનું જાણવા મળ્યું હતું. યુનેસ્કોના અધિકારી કાઈવાઈઝ, આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેકટર જનરલ, જોઈન્ટ ડાયરેકટર જહાન્વીજ શર્મા, આઈઆઈટીના પ્રોફેસર કમ પૂર્વ નિયામક અને ધોળાવીરાનું ડોઝિયર રજૂ કરનારા પ્રભાકરણ તથા કચ્છ જિલ્લાના સમાહર્તા પ્રવિણા ડી.કે., ભચાઉના પ્રાંત અધિકારી પી.એ. જાડેજા, ધોળાવીરા ગ્રામપંચાયતની ઈકો ડેવલપમેન્ટ કમિટીના કર્તાહર્તા અને સરપંચ પતિ જીલુભા સોઢા સહિતના અધિકારીઓની બેઠક રવિવારે બપોરે ધોળાવીરાના મ્યુઝિયમ પરીસરમાં યોજાઈ હતી.

જેમાં જણાવાયું હતું કે, હાલમાં વીજ લાઈન તથા અન્ય અમુક માળખાકિય વ્યવસ્થાઓ અસ્તવ્યસ્ત છે. યુનેસ્કોના ધારાધોરણો મુજબ જો ધોળાવીરોને વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપવાનો થાય તો બફર ઝોન અમલી બનશે. આ વિસ્તારનું નૈસર્ગિક સૌંદર્ય પણ જાળવવું પડશે.

આવી ચર્ચામાં ભાગ લેતાં જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, ધોળાવીરાને યુનેસ્કોની માન્યતા મળે તો સ્થાનિક સ્તરની જાળવણીની જવાબદારી પંચાયતના સહકારથી નીભાવાશે. સફાઈ જાળવવી, અભ્યારણ્યના નિયમો મુજબ આ વિસ્તારમાં નુકસાન ન થાય તે તથા પર્યટકો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન તથા જરૂરી પ્રાથમિક સગવડો મળી રહે તે ફરજ સમજીને ધ્યાન અપાશે.

૧૯૭૯માં પહેલાં આ વિસ્તારમાં બીએસએફ ન હતો ત્યારે ધોળાવીરા સહિતના ગામોના લોકો સરહદની રખેવાળી માટે સતર્ક રહેતા હતા અને ચોકી કરતા હતા. હવે બીએસએફ છે ત્યારે તેમના સંકલનમાં સહયોગ આપીએ છીએ. વૈશ્વિક ધરોહર જાહેર થશે તો ૧૦ ગ્રામ પંચાયતના લોકોને સૂકી ખેતી, પશુપાલન ઉપરાંત પ્રવાસનલક્ષી રોજગારીની તકો ઉભી થશે.

Leave a Reply

Your email address will not be published.