1,028 Total Views
કરોડો રૃપિયાના ખર્ચે બનાવેલા રેલ્વે સ્ટેશને વધુ ટ્રેનોની અવરજવર થાય તો નગરજનોને લાભ મળી શકે એમ છેઃવસાહત મહામંડળ
ગાંધીનગર: પાટનગરમાં કરોડો રૃપિયાના ખર્ચે બનાવેલાં કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર હાલમાં જુજ સંખ્યામાં ટ્રેનોની અવરજવર થઇ રહી છે. જેના પગલે ઘણા મુસાફરોને ટ્રેનની સુવિધા મેળવવા માટે અન્ય સ્ટેશનો સુધી લંબાવવું પડે છે. આમ અમદાવાદથી ઉપડતી અને મુંબઇ તરફ જતી તમામ ટ્રેનોને ગાંધીનગર સુધી લંબાવાય તો પાટનગરના રહિશોને પણ લાભ મળી શકે તેમ છે. હાલમાં આ સુવિધાના અભાવે મુસાફરોને નાણાં અને સમયનો વ્યય થઇ રહ્યો છે. જેથી સત્વરે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે વસાહત મહામંડળ દ્વારા રજુઆત કરાઇ છે.
રાજ્યના પાટનગરમાં પાંચ સીતારા હોટલ સાથે નિર્માણ પામેલાં રેલ્વે સ્ટેશનનું થોડા સમય અગાઉ જ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થયેલાં આ સ્ટેશન ઉપર હાલમાં ફક્ત જુજ સંખ્યામાં ટ્રેનો આવનજાવન કરી રહી છે. આમ વધુને વધુ ટ્રેનો રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થાય તે માટે વસાહત મહામંડળ દ્વારા અવાર નવાર રજુઆતો કરવા છતાં તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવતો નથી જેના પગલે કરોડો રૃપિયાના ખર્ચે તૈયાર કરાયેલું રેલ્વે સ્ટેશન હાલમાં ભેકાર ભાસી રહ્યું છે. તે અંગે પ્રમુખ અરૃણ બુચે જણાવ્યું હતું કે, હાલમાં મુંબઇ તરફના રૃટ ઉપર આવતાં સ્ટેશનોની અવર જવર કરતાં મુસાફરોને ટ્રેનની સુવિધા મેળવવા માટે અન્ય સ્ટેશનો સુધી લંબાવવું પડે છે. જેથી અમદાવાદથી ઉપડતી મુંબઇ તરફ જતી તમામ ટ્રેનોને ગાંધીનગર સુધી લંબાવાય તો નગરજનોને પણ તેનો લાભ મળી શકે એમ છે. નડીયાદ, આણંદ, વડોદરા, ભરૃચ, સહિત સુરત તથા વલસાડ અને અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જતાં મુસાફરોને ટ્રેનોના અભાવે નાછુટકે નાણાં અને સમયનો વ્યય કરીને અમદાવાદ ટ્રેનની સુવિધા મેળવવા માટે જવું પડે છે. જેથી તંત્ર દ્વારા સત્વરે મુસાફરોની માંગને ધ્યાને રાખીને મુંબઇ તરફની ટ્રેનો ગાંધીનગરથી દોડાવવા માટેનો નિર્ણય લેવાય તો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી પણ મુક્તિ મળી શકે એમ છે.