GUJARAT

ઉન્નાવઃ યોગી આદિત્યનાથના ચૂંટણી વચનનો અમલ! મિયાંગંજનું નામ બદલીને થશે માયાગંજ

 378 Total Views

– ઉત્તર પ્રદેશમાં યોગી રાજ આવ્યા બાદ સતત શહેરો અને પ્રમુખ સ્થળોનું નામ બદલવાનું ચલણ દેખાયું

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની ગરમાહટ વચ્ચે નામ બદલવાની વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આવેલી મિયાંગંજ ગ્રામ પંચાયતનું નામ બદલવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ ગ્રામ પંચાયતનું નામ બદલીને માયાગંજ કરવાનો પ્રસ્તાવ છે. ઉન્નાવના જિલ્લાધિકારી રવીન્દ્ર કુમારે મિયાંગંજનું નામ બદલીને ‘માયાગંજ’ કરવાની કાર્યવાહી પૂરી કરીને શાસનને પ્રસ્તાવ મોકલી આપ્યો છે. ડીએમ રવીન્દ્ર કુમારે અપર મુખ્ય સચિવ પંચાયતી રાજને આ મામલે રિપોર્ટ મોકલ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી યોગિ આદિત્યનાથે એક જનસભા દરમિયાન વચન આપ્યું હતું કે, ચૂંટણી જીતવા પર મિયાંગંજનું નામ માયાગંજ કરવામાં આવશે.

ચૂંટણી પહેલા નામ બદલવાની તૈયારી

ગત ચૂંટણી વખતે આપવામાં આવેલા યોગી આદિત્યનાથના વચનને હવે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પૂરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સંબંધે ઉન્નાવના ડીએમ દ્વારા 24 ઓગષ્ટની તારીખવાળો જે પત્ર અપર મુખ્ય સચિવને મોકલવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે, વિકાસ ખંડ મિયાંગંજનું નામ બદલવાનો પ્રસ્તાવ પંચાયત સ્તરે પસાર થઈ ચુક્યો છે. પત્રમાં માગણી કરવામાં આવી છે કે, આ પ્રસ્તાવ પર આગળની કાર્યવાહી કરવામાં આવે.

સતત બદલવામાં આવી રહ્યા છે નામ

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં યોગી રાજ આવ્યા બાદ સતત શહેરો અને પ્રમુખ સ્થળોનું નામ બદલવાનું ચલણ દેખાયું છે. ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે. મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ દીન દયાળ ઉપાધ્યાયના નામે કરી દેવાયું છે. તે સિવાય અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે જ્યારે મૈનપુરીનું નામ મયનઋષિ કરવાનો પ્રસ્તાવ જિલ્લા પંચાયતમાં પાસ થઈ ગયો છે. આ તરફ ફિરોઝાબાદનું નામ ચંદ્રનગર રાખવાની માગણી થઈ રહી છે અને ઝાંસી રેલવે સ્ટેશનનું નામ રાણી લક્ષ્મીબાઈના નામે કરવાનો પ્રસ્તાવ છે.

આ રીતે યુપીના અનેક શહેરો અને જગ્યાઓનું નામ તો બદલાઈ ચુક્યુ છે અથવા તેમને બદલવાનો પ્રસ્તાવ છે. તે કડીમાં જ હવે ઉન્નાવની ગ્રામ પંચાયત મિયાંગંજનું નામ જોડાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.