GUJARAT

દાહોદ : કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી

 905 Total Views

કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના વાયરસની સ્થિતિને નિયંત્રણમાં લેવા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય, વીજળી, પાણી અને શિક્ષણને લગતી બાબતોને પણ બેઠકમાં આવરી લેવામાં આવી હતી.

કલેક્ટરશ્રી ખરાડીએ દાહોદ નગર અને જિલ્લામાં કોરોના વાયરસના જ્યાં કેસો મળી આવ્યા બાદ લાગુ કરવામાં આવેલા નિયંત્રિત વિસ્તારોમાં નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા જણાવ્યું હતું. આ માટે જરૂરી લાગે ત્યા પોલીસની પણ મદદ લેવા સૂચન કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાખવામાં આવેલા હેન્ડ પમ્પ રિપેર કરવા ઉપરાંત લોકોને પાણી આપવા માટે મંજૂર કરાયેલી યોજનાને ત્વરિત પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. વરસાદના કારણે ધોવાઇ ગયેલા રસ્તાઓને દુરસ્ત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ મહત્વાકાંક્ષી જિલ્લા માટે નિતિ આયોગ દ્વારા નિયત કરવામાં આવેલા સૂચકાંકો મુજબની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આરોગ્ય, પશુપાલન, સિંચાઇ, શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.આ બેઠકમાં માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રકાશિત પુસ્તક પ્રેરણાદાયી ઓળખ અધિકારીશ્રીઓને આપવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં દાહોદ જિલ્લાની સાફલ્ય ગાથાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી સી. બી. બલાત તથા શ્રી કિરણ ગેલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.