680 Total Views
। વોશિંગ્ટન ।
ચીનના ૫૯ એપ્સને પ્રતિબંધિત કરવાના ભારત સરકારના નિર્ણયને અમેરિકાનો ટેકો મળ્યો છે. અમેરિકાએ ભારતની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યું કે આ પગલું ભારતની અખંડિતતા, અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે જરૂરી છે. એક સ્ટેટમેન્ટ જારી કરતા પોમ્પિયોએ કહ્યું કે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વેલન્સ સ્ટેટ તરીકે કામ કરનાર કેટલાક નિશ્ચિત મોબાઈલ એપ્સ પર ભારતના પ્રતિબંધનું અમે સ્વાગત કરીે છીએ. ભારતનો ક્લિન એપ એપ્રોચ તેની સાર્વભોમત્વતા, એકતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે. આ પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે કોરોના મહામારીના યુગમાં આજે લોકો વધારેમાં વધારે ચીન પર ગુસ્સે થઈ રહ્યાં છે.
અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધ લાવવાની માગણી કરાઈ
અમેરિકાના સાંસદો કહી રહ્યા છે કે ટિકટોક જેવી એપ્લિકેશન દ્વારા દેશની સુરક્ષાને લઈ ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. રિપબ્લિકન પાર્ટીનાં સીનેટર જોન ર્કોિનને ટ્વિટ કરીને કહ્યું કે ‘લોહિયાળ ઝડપ બાદ ભારતે ચીની એપ્લિકેશન ટિકટોક સહિત અન્ય એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.’ જ્યારે રિપબ્લિકન પાર્ટીના જ અન્ય સાંસદ રિક ક્રોફોર્ડે કહ્યુ કે, ‘ટિકટોક જેવી એપ્લિકેશનને બંધ જ કરવી જોઈએ તેના પર તો પહેલાથી પ્રતિબંધ લગાવી દેવો જોઈતો હતો.’
ટિકટોકને જ છ અબજ ડોલરનું નુકસાન થશે : ગ્લોબલ ટાઈમ્સ
ભારત દ્વારા ચીનની ૫૯ એપ્સ ઉપર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે ચીન રાતોપીળો થઈ ગયો છે. તેના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે, ભારતના આ પગલાંથી ચીનની એપ કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. તેણે જણાવ્યું હતું કે, માત્ર ટિકટોક બંધ થઈ જવાના કારણે તેની પેરેન્ટ કંપની ડાંસબાઈટને જ છ અબજ ડોલરનું નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ભારત દ્વારા તો આ સિવાય બીજી ૫૮ એપ બંધ કરવામાં આવી છે. તેને પગલે આ કંપનીઓ અને ચીની અર્થતંત્રને નુકસાનનો આંકડો ક્યાં પહોંચશે તેનો અંદાજ લગાવવો પણ ભયની કંપારી પસાર કરાવી દે તેવો છે.
ઓસ્ટ્રેલિયાએ ચીન વિરોધી સૂર ઉચ્ચાર્યા
અમેરિકા અને ચીન વચ્ચે જગજાહેર ચાલતા વિરોધાભાસને સૌ જાણે છે. તાજેતરમાં ભારતે પણ ચીનની જાસૂસી કરનારી એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આ હરોળમાં ઓસ્ટ્રેલિયા પણ આવી ગયું છે. તેને ચીન વિરોધી સૂર ઉચ્ચાર્યા છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ચીન ઉપર દબાણ વધારવા માટે કામગીરી હાથ ધરવા આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તેઓ દેશના સંરક્ષણ બજેટમાં ૪૦ ટકાનો વધારો કરશે અને હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે લાંબી મારક ક્ષમતાવાળા હથિયારોની ખરીદી ઉપર ભાર મૂકશે. તે જમીન, પાણી અને હવામાં લાંબા અંતરના લક્ષ્યને ભેદી શકે તેવા હથિયારો ખરીદશે.