797 Total Views
ભારતનું નંબર-૧ દુશ્મન પાક. નહીં ચીન : સીડીએસ રાવત
ચીને ૧૯૬૨ના યુદ્ધમાં શાંત રહેલી હિમાચલ નજીકની સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વેલન્સ ક્ષમતામાં પણ સુધારો કર્યો છે
લાહૌલ સ્પિતિ, તા.૧૨
પૂર્વીય લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશ પછી ચીને હવે હિમાચલ પ્રદેશમાં એલએસી નજીક તેની સૈન્ય પ્રવૃત્તિઓ વધાવાનું શરૂ કર્યું છે. હિમાચલમાં એલએસી નજીક કિન્નૌર અને લાહૌલ સ્પિતિ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ચીને રસ્તા, પુલ બનાવ્યા છે અને ખૂબ જ ઝડપથી હેલિપેડનું પણ નિર્માણ કરી રહ્યું છે અને સૈન્ય ચોકીઓ પણ બનાવી રહ્યું છે. બીજીબાજુ ચીન સાથે વધતા તણાવ વચ્ચે ભારતના ત્રણેય સૈન્યના વડા સીડીએસ બિપિન રાવતે ભારતનું નંબર-૧ દુશ્મન પાકિસ્તાન નહીં પણ ચીન હોવાનું જણાવ્યું હતું.
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને સોંપેલા તેમના રિપોર્ટમાં રાજ્ય પોલીસે બંને રિમોટ જિલ્લામાં એલએસી પર નવ દર્રા સાથે સૈન્ય ટુકડી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસાવાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. હિમાચલના ડીજીપી સંજય કુંડૂએ શુક્રવારે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં ચીની સૈન્યની હાજરી ઘણી વધી છે. ચીને હિમાચલ નજીકની સરહદ પર તેની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વેલન્સ ક્ષમતા પણ સુધારી છે.
ચીન કિન્નૌર અને લાહોલ સ્પિતિ જિલ્લાની સરહદે ક્વૉલિટી સર્વેલન્સવાળી પોસ્ટ બનાવી રહ્યું છે. તેણે ચુરુપમાં પરેચુ નદીના ઉત્તરી કિનારા પર અનેક નવા રસ્તાઓનું નિર્માણ કર્યું છે. આ સિવાય ચીન શાક્તોટ, ચુરુપ અને ડનમુર ગામોમાં પણ ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે.
ચીન સાથે હિમાચલ પ્રદેશની ૨૪૦ કિ.મી. સરહદ પર ૧૯૬૨ના યુદ્ધ દરમિયાન પણ સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીની સૈન્યે આ વિસ્તારમાં ગતિવિધિઓ વધારી છે. ચીની હેલિકોપ્ટરોએ ભારતીય એરસ્પેસનો ભંગ કર્યો હોવાની પણ ઘટનાઓ નોંધાઈ છે. ચીને ક્યોરબ્રાંગ દર્રા પાસે રી ગામમાં પાંચ કિ.મી. લાંબો રસ્તો બનાવ્યો છે. પીએલએની બાંધકામ શાખાએ ખેમકુર દર્રા નજીક શિયુલથી ખેમકુલને જોડતો રસ્તો પહોળો કર્યો છે.
દરમિયાન ભારતમાં ત્રણેય સૈન્યના વડા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવતે ભારતની સલામતી માટે સૌથી મોટું જોખમ ચીનને ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત માટે ચીન સુરક્ષાની દૃષ્ટિએ સૌથી મોટું જોખમ બની ગયું છે. ગયા વર્ષે હિમાલયની સરહદોની સલામતી માટે હજારોની સંખ્યામાં જે સૈનિકો અને તોપ સહિતના હથિયારો મોકલાયા હતા તે હજુ લાંબા સમય સુધી બેઝ પર પાછા નહીં ફરી શકે.
તેમણે ઉમેર્યું કે, ફરી એક વખત ગલવાન ઘાટી જેવી હિંસા થશે તો ભારત ચીનને જડબાતોડ જવાબ આપશે. ગલવાન ઘાટીની ઘટના પછી બંને દેશના સૈનિકો અનેક વખત આમને-સામને આવ્યા હતા. જોકે, બંને દેશ નથી ઈચ્છતા કે સૈનિકો એકબીજાની આટલા નજીક આવે. તેમણે જણાવ્યું કે, પરમાણુ હથિયારોથી સજ્જ બંને દેશો વચ્ચે સરહદ વિવાદનો ઉકેલ લાવવામાં વિશ્વાસની ઉણપ અને શંકા અવરોધરૂપ બની રહ્યા છે.