658 Total Views
ચીનના સદાબહાર મિત્ર પાકિસ્તાને SCO દેશોની બેઠકમાં વધુ એક નાપાક હરકક કરતાં ભારતની સામે ષડયંત્ર રચવાની ફરી વાર કોશિશ કરી, પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની કડકાઈ અને રશિયાની લતાડ બાદ ઈસ્લામાબાદના હોંશ ઠેકાણે આવી ગયા હતા. પાકિસ્તાને SCOની આ બેઠકમાં એક કાલ્પનિક નક્શો રજૂ કર્યો હતો અને ભારતની જમીનને પોતાની ગણાવી હતી.
ડોભાલ મીટિંગ છોડીને જતાં રહ્યા
પાકિસ્તાને આ નક્શો રજૂ કર્યા બાદ NSA ડોભાલે ભારે નારાજગી વ્યક્ત કરતાં પાડોશી દેશના આ કાલ્પનિક નક્શાનો વિરોધ કરતાં મીટિંગ છોડીને જતા રહ્યા હતા. સત્તાવાર સુત્રોએ જણાવ્યુ કે, NSA ડોભાલના નેતૃત્વવાળી ભારતીય પ્રતિનિધિમંડળના પાકિસ્તાનના નક્શાનો જોરદાર વિરોધ કર્યો હતો.
રશિયાએ પણ પાકિસ્તાનને ઝાટકણી કાઢી
આ બેઠકની અધ્યક્ષતા કરી રહેલાં રશિયાએ પાકિસ્તાનને ફટકાર લગાવી અને તેને આ નક્શો દેખાડતો રોકવાના તમામ પ્રયાસો કર્યા હતા. રશિયાએ એમ પણ આશા વ્યક્ત કરી છે કે, પાકિસ્તાનની આ ઉશ્કેરણીજનક કાર્યવાહીને કારણે ભારતની SCOમાં ભાગીદારીમાં કોઈ અસર નહીં પડે.
પાકિસ્તાને ગત મહિને જાહેર કર્યો હતો નક્શો
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ગત મહિને એક નવો નક્શો રજૂ કર્યો હતો. આ નક્શામાં સમગ્ર જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવ્યો હતો. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે બે કેન્દ્રશાસિત પ્રદેશ છે. પાકિસ્તાને SCOની બેઠકમાં બેકગ્રાઉન્ડ ઈમેજ તરીકે આ નક્શાનો પ્રયોગ કર્યો હતો. જણાવી દઈએ કે, રશિયાએ ગત અઠવાડિયે SCOના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં જ કહ્યું હતું કે, SCO ચાર્ટરમાં દ્વિપક્ષીય વિવાદોને ઉઠાવવાની મનાઈ છે.
પાકિસ્તાને જાણી જોઈને નાપાક હરકત કરી
ભારતે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિ મોઈદ યુસુફે જાણી જોઈને નક્શો પ્રમોટ કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે. આ યજમાન દેશના આગ્રહની અને નિયમોની અવગણના કરવામાં આવી છે. યજમાન દેશ સાથે વાત કર્યા બાદ ભારતીય દળે વિરોધ દર્શાવતાં બેઠક છોડી દીધી હતી. જણાવી દઈએ કે યુસુફ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના વિશેષ સહાયક છે.