GUJARAT

એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ ઉપર સેસ વિભાગના કર્મચારી

 945 Total Views

એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ ઉપર સેસ વિભાગના કર્મચારી સૌમિલ પટેલે ૧પ કરોડના કૌભાંડનો આક્ષેપ કરતાં હવે ખેડૂતો-વેપારીઓના રૂપિયા ચાંઉ કરી જનાર સત્તાધીશોના વિરોધમાં ઠેર-ઠેર રોષ ભભૂકી ઊઠયો છે. આક્રોશિત વેપારીઓએ હવે સેસ કૌભાંડમાં ર્ચિચત ચેરમેન, સેક્રેટરી સિવાય ધારાસભ્ય આશા પટેલ વિરુદ્ધ માત્ર રજિસ્ટ્રારની જ તપાસ નહી પરંતુ સી.બી.આઈ. તપાસની માગ કરી છે. કૌભાંડીઓ સામે સખત કાર્યવાહી કરવાની માગ સાથે વેપારીઓ દ્વારા શનિવારે એ.પી.એમ.સી. બંધ રાખી કૌભાંડ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરી આંદોલન છેડવાની એપીએમસીના વેપારી વિભાગના ડિરેક્ટરોએ જાહેરાત કરી છે. વેપારીઓએ શનિવારે એપીએમસી બંધનું એલાન કર્યું છે જેને નગરપાલિકાના પ્રતિનિધિ મીના પટેલ ડિરેક્ટર તથા ખેડૂત વિભાગના ડિરેક્ટર સંજય પટેલે પણ સમર્થન જાહેર કર્યું છે અને વેપારીઓની લડતમાં સંપૂર્ણ સહયોગ આપવાની જાહેરાત કરી હતી.

ધારાસભ્ય આશા પટેલે પત્ર લખી તપાસની માગ કરી

કૌભાંડ અંગેના અહેવાલો સમાચાર માધ્યમોમાં પ્રસારિત થતા ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ અંગે તપાસ કરવા વિનંતી કરી છે. ઊંઝા માર્કેટયાર્ડમાંથી સેસની રકમની ઉચાપત થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સહકારી ક્ષેત્રમાં હલચલ મચી છે. નોંધનિય છે કે, કૌભાંડ સામે લાવનાર કર્મચારીએ કૌભાંડમાં ધારાસભ્ય આશા પટેલ પણ સામેલ હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. ત્યારે આશા પટેલની મુખ્યમંત્રીને કરવામાં આવેલ તપાસની રજૂઆત કૌભાંડના છાંટડા ધોવામાં કેટલી કારગત નીવડશે તે જોવું રહ્યું

ધારાસભ્ય જ કેમ CBI તપાસ નથી માગતા ? : દીક્ષિત પટેલ

ઊંઝા એપીએમસીના અગ્રણી વેપારી અને જિલ્લા ભાજપના સંગઠનના પૂર્વ સંગઠન મંત્રી દીક્ષિત પટેલે પણ ધારાસભ્ય આશાબેનને આડેહાથ લેતા જણાવ્યું હતું કે ધારાસભ્યનું નામ આ કૌભાંડમાં સંડોવાયું છે ત્યારે જો તેઓ ખરેખર નિર્દોષ હોય તો તેઓ પોતે જ કેમ સી.બી.આઈ. તપાસ કે અન્ય સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગણી નથી કરી રહ્યા ? તથા પુરાવાઓ જોતાં લાગે છે કે આ માત્ર ૧પ કરોડનું કૌભાંડ નહીં પણ ખૂબ મોટું કૌભાંડ હોઈ શકે છે.

મર્યાદિત સંખ્યામાં વેપારીઓ ઉપવાસમાં જોડાશે : નરેન્દ્ર પટેલ

ઊંઝા એ.પી.એમ.સી.ના વેપારી વિભાગના ડિરેક્ટર નરેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, કૌભાંડના પુરાવા પણ જોતાં અમે તમામ વેપારીઓએ શનિવારે આખો દિવસ તમામ પેઢીઓ બંધ રાખી એપીએમસીનો તમામ વેપાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને તમામ વેપારીઓ પ્રતીક ઉપવાસ આંદોલન કરીશું પરંતું કોરોના મહામારીને કારણે સામાજિક અંતર જાળવી મર્યાદિત સંખ્યામાં વેપારીઓ ઉપવાસમાં જોડાશે.

તપાસમાં મોડું થશે તો આરોપીઓ પુરાવાનો નાશ કરી દેશે : વિમલ પટેલ

ઊંઝા એપીએમસીના વેપારી વિમલ પટેલે જણાવ્યું હતું કે યાર્ડના ચેરમેન દિનેશ પટેલ, અને સેક્રેટરી વિષ્ણુ પટેલ સહિત ધારાસભ્ય આશા પટેલે જ આ કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ લાગ્યા છે ત્યારે આ મામલે સીબીઆઈ અને સીટની તપાસ તુરંત જ શરૂ કરવી જોઈએ કારણ કે તપાસ શરૂ થવામાં જેટલું મોડું થશે ત્યાં સુધીમાં સંડોવાયેલા લોકો પુરાવાઓના નાશ કરી દેશે.

રજિસ્ટ્રારને લેખિત આપવા છતાં તપાસ શરૂ નથી કરી : અરવિંદ પટેલ

ઊંઝા એપીએમસીના વેપારી મત વિભાગના ડિરેક્ટર અરવિંદ પટેલે કહ્યું કે કૌભાંડ મામલે અમે લેખિતમાં જાણ કરી તપાસ કરવા માગણી કરી હતી પરંતું હજુ રજિસ્ટ્રાર દ્વારા તપાસની શરૂઆત થઈ નથી જેથી અમારે ઉપવાસ અને ધરણાંનું આયોજન કર્યું છે જેમાં યાર્ડના તમામ વેપારીઓ સમર્થન આપી રહ્યા છે. આક્ષેપ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હેતુથી કરે પરંતુ પુરાવા સામે છે તો હવે સ્વતંત્ર એજન્સી તપાસ કરે.

રજિસ્ટ્રારની તપાસ સરકારના દબાણમાં થાય તેનો અર્થ નથી : ભાવેશ પટેલ

ઊંઝા શહેર ભાજપ યુવા મોર્ચાના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલના જણાવ્યા મુજબ કૌભાંડ મામલે મેં પોતે લોકપાલ, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને લેખિતમાં જાણ કરી છે છતાં માત્ર રજિસ્ટ્રારને જ તપાસ સોંપી છે તે શંકાસ્પદ છે કારણ કે તે સરકારના દબાણમાં તપાસ કરી શકે છે. જેથી સાચું કૌભાંડ બહાર લાવવા અને દોષીઓને સામે લાવવા સ્વતંત્ર એજન્સી મારફતે જ તપાસ કરાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.