317 Total Views
છેલ્લા ઘણા સમયથી આખું વિશ્વ ચીનથી ફેલાયેલ કોરોના વાયરસ સામે લડી રહી છે. ભારતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો કે, આ મહામારીની વેક્સિન શોધવા માટે આખા વિશ્વના વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરી કામ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં હાલ પણ 100 ટકા પરિણામ આપે એવી વેક્સિન શોધાઈ નથી.
આ દરમિયાન હવે એવી માહિતી મળી છે કે કોરોનાની સારવારમાં વપરાતું અને ઉપયોગી ઇન્જેક્શન ટોસિલિઝુમેબ મહામારીની દવા જ નથી. આ ચોંકાવનારી વાત ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયા કહી છે. તેમણે નિવેદનમાં કહ્યું કે ટોસિલિઝુમેબ કોરોના માટેની દવા નથી. તેથી કોરોનામાં ટોસિલિઝુમેબ લેતાં સાવધાન રહો. આપને જણાવી દઈએ કે હાલ ટોલિબિઝુમેબનો છુટથી ઉપયોગ થઈ રહ્યો છે. કોવિડ-19ની મહામારીમાં સારવાર માટે આ ઇન્જેક્શન તબીબો દ્વારા આપવામાં આવે છે. મે મહિનામાં આ ઇન્જેક્શનના સારા પરિણામ પણ જોવા મળ્યા હતા. ઉપરાંત, આઈસીએમઆર(ICMR)ની ગાઈડલાઈન પ્રમાણે આ દવા અપાતી હતી.
પરંતુ હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાના દર્દી માટે આ ઈન્જેકશન માન્ય જ નથી. માહિતી મુજબ યુરોપમાં રોસ કંપનીએ આ દવા પરિણામ નહીં આપતા હોવાનું કહ્યું છે. જેના પછી હવે હાલ બજારમાંથી ટોસિલિઝુમેબની સપ્લાય ઘટાડવામાં આવી છે અને મેડિકલ ફિલ્ડમાં પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે. જો કે, દેશમાં અત્યાર સુધી આ દવાનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવતો હતો. જ્યારે મે મહિનામાં આ ઇન્જેક્શનથી સારા પરિણામ પણ મળ્યા હતા. પરંતુ હવે આ ચોંકાવનારા દાવાથી ફરી લોકોમાં મુંઝવણ વધી છે.