Sports

ટોચની ક્રમાંકિત પ્લિસકોવાને હરાવી કેરોલિન ગ્રાસિયાએ અપસેટ સર્જ્યો

 587 Total Views

। ન્યૂયોર્ક ।

સર્બિયાના નોવાક જોકોવિચે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે બીજા રાઉન્ડમાં ૪૪મા ક્રમાંકિત બ્રિટનના કાઇલ એડમન્ડને હરાવ્યો હતો. બ્રિટિશ ખેલાડીએ પ્રથમ સેટ જીત્યો હતો પરંતુ ત્યારબાદ જોકોવિચે આક્રમક રમતનું પ્રદર્શન કરીને સતત ત્રણ સેટ ૬-૭, ૬-૩, ૬-૪, ૬-૨થી જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી. જોકોવિચનો આગામી મુકાબલો જેન લેનાર્ડ સ્ટ્રફ સામે થશે. બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં મેજર અપસેટ સર્જાયો હતો. ટોચની ક્રમાંકિત કેરોલિના પ્લિસકોવાને ફ્રાન્સની કેરોલિન ગ્રાસિયાએ સીધા સેટમાં ૬-૧, ૭-૬ (૨)થી હરાવી હતી. વિશ્વની ૫૦મી ક્રમાંકિત ગ્રાસિયા ત્રીજા રાઉન્ડમાં અમેરિકાની જેનિફર બ્રેડી સામે ટકરાશે.

ઓસાકા અને ક્વિટોવા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી

છઠ્ઠી ક્રમાંકિત પેટ્રા ક્વિટોવા પણ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી ગઇ છે. તેણે બીજા રાઉન્ડની મેચમાં કેટલિના કોઝલોવાને ૭-૬ (૩), ૬-૨થી પરાજય આપ્યો હતો. તેનો આગામી મુકાબલો અમેરિકાની જેસિકા પેગુલા સામે થશે. વિશ્વની ૧૦મી ક્રમાંકિત તથા ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન જાપાનની નાઓમી ઓસાકાએ પણ પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. તેણે કેમિલા જ્યોર્જીને ૬-૧, ૬-૨થી પરાજય આપ્યો હતો.

સિત્સિપાસ અને શાપોવાલોવની આગેકૂચ જારી

મેન્સ સિંગલ્સમાં વિશ્વના ૧૭મા ક્રમાંકિત ડેનિસ શાપોવાલોવે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે સૂનવૂને ચાર સેટ સુધી રમાયેલા મુકાબલામાં ૬-૭, ૬-૪, ૬-૪, ૬-૨થી હરાવ્યો હતો. બીજી તરફ ધમાકેદાર સર્વિસ કરતા વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત સ્ટેફાનોસ સિત્સિપાસે પણ પોતાના વિજયનો સિલસિલો જારી રાખ્યો હતો. તેણે બીજા રાઉન્ડની મેચમાં મેક્સિમ ક્રેસીને ૭-૬, ૬-૩, ૬-૪થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

ભારતનો દિવિજ શરણ મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં જ હાર્યો

ભારતીય ટેનિસ ખેલાડી દિવિજ શરણ અને તેના સર્બિયન પાર્ટનર નિકોલા કેસિક યુએસ ઓપનની મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં હારી ગયા હતા. તેમને ક્રોએશિયાના નિકોલ મેક્ટિક અને ડચમેન વેસ્લે કૂલહોફની જોડીએ ૪-૬, ૬-૩, ૩-૬થી પરાજય આપ્યો હતો.ડબલ્સના અન્ય એક મુકાબલામાં ભારતનો રોહન બોપન્ના અને તેનો કેનેડિયન સાથીદાર ડેનિસ શાપોવાલોવ જોડી બનાવીને રમશે. તેમનો પ્રથમ મુકાબલો નૂહ રૂબિન તથા એર્નેસ્ટો એસ્કોબાડો સામે થશે.

Leave a Reply

Your email address will not be published.