1,840 Total Views
ગુજરાત વિધાનસભાની આઠ સીટોની પેટાચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે, તે સાથે જ ભાજપ અને કોંગ્રેસ એક્શન મોડમાં આવીને પોતાના ઉમેદવારો શોધવામાં લાગી ગયા છે. હાલ ભાજપ અને કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ચૂંટણી આવે ત્યારે બન્ને પાર્ટીઓના નેતા વાર પ્રતિવારના નિવેદનો આપી રહ્યા છે ત્યારે પરેશ ધાનાણીએ ભાજપ પર કટાક્ષ કરીને ચૂંટણીનો જંગના બ્યૂગલ ફૂંક્યા છે.
પેટાચૂંટણીને લઈ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર ટ્વિટર યુદ્ધ શરૂ કર્યું છે. ધાનાણીએ આજે ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા, જેમાં લખવામાં આવ્યું હતું કે, “કમલમમાં કકળાટ””, ‘પાયાનાં પત્થર’ સમાન વફાદારો ચુંટણી લડશે કે પછી.., વટલાયેલા ‘ગદ્દાર’..? ધાનાણીએ પક્ષ પલટુ નેતાઓને સીધી રીતે ગદ્દાર ગણાવ્યાં છે. ધાનાણીએ કમળમાં કકળાટ શબ્દનો પ્રયોગ કરતા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને કટાક્ષ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની બેઠકોની સ્થિતિ વિશે વાત કરીએ તો, ભાજપ પાસે 103, કોંગ્રેસ 65, બીટીપી 02, એનસીપી 01 અને અપક્ષ 01 એમ કુલ બેઠકો 182 થાય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી વિધાનસભાની આઠ બેઠકો કોને ફાળે જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત 14 રાજ્યોની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. જેમાં 3 નવેમ્બરે 8 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 19 ઓક્ટોબર ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ છે. 10 તારીખે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. અબડાસા, લીબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા બેઠક પર મતદાન યોજાશે.