India

બિહાર વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગવા લાગ્યા છે.

 845 Total Views

બિહાર વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગવા લાગ્યા છે. તમામ પાર્ટીઓ ચૂંટણી રણસંગ્રામમાં જીત મેળવવા મેદાને પડી છે. વિધાનસભાની ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવેલા સર્વેમાં રાજ્યમાં ફરી એકવાર નીતીશ કુમારની આગેવાની હેઠળ સરકાર બનતી દર્શાવવામાં આવી છે.

સર્વે અનુસાર રાજ્યમાં ફરીથી નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની શકે તેવી શક્યતાઓ છે. એક ઓપનિયન પોલ અનુસાર બિહારની કુલ 243 વિધાનસભા સીટોમાં 160 બેઠક પર એનડીએને જીત મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સર્વેમાં મહાગઠબંધનનો વધુ એકવાર સફાયો બોલાવવાની શક્યતા છે. ટાઈમ્સ નાઉના અને સી વોટર દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતૃત્વ વાળા મહાગઠબંધનને 76 બેઠકો મળે તેવી શક્યતાઓ છે. જેમાં અન્યને 7 બેઠકો, જેમાં એલજેપીને 5 બેઠકો મળી શકે છે. પક્ષ પ્રમાણે બેઠકોની વાત કરીઓ તો NDAને 160 બેઠકોમાંથી બીજેપી 85, જેડીયુને 70 અને હમ અને વીઆઈપીને 5 બેઠકો મળે તેવી શક્યતાઓ છે. બીજી તરફ મહાગઠબંધનમાં આરજેડીને 56 બેઠકો, કોંગ્રેસને 15 અને લેફ્ટને 5 બેઠકો પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કરાયેલા આ સર્વેમાં મતદારોને પણ સવાલો કરવામાં આવ્યા હતા. જ્યારે આ સર્વેમાં લોકોને પૂછવામાં આવેલા સવાલોના આધારે કરવામાં આવેલુ તારણ બહાર આવ્યું છે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે આ ચૂંટણીમાં તેમના માટે સૌથી મહત્વનો મુદ્દો કયો છે?

લગભગ 49 ટકા લોકોએ કહ્યું હતું કે, તેમના માટે સૌથી મોટો મુદ્દો નોકરી છે. જ્યારે સર્વેમાં ભાગ લેનારાઓમાંથી 12.9 ટકા લોકોએ વીજળી, પાણી અને રસ્તાઓને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો. ભ્રષ્ટાચાર એ 8..7 ટકા લોકોનો મુદ્દો હતો, જ્યારે મહિલાઓની સુરક્ષા અંતર્ગત 7.1 ટકા અને શિક્ષણ અંગે 6.7 લોકોનો મુદ્દો રહ્યો છે.

સર્વેમાં સ્પષ્ટ થયું છે કે, બિહારમાં ફરી એકવાર નિતીશ કુમારની સરકાર રચાઈ શકે છે. જોકે જેડીયુ કરતા ભાજપને વધારે બેઠકો મળી રહી હોવાનું અનુંમાન છે. જ્યારે આરજેડીના નેતૃત્વ હેઠળના મહાગઠબંધને ફરી એકવાર વિપક્ષમાં જ બેસવાનો વારો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.