GUJARAT

ગુજરાતના ખેડૂતો માટે જાણવા જેવા સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી, 98 ડેમો હાઇએલર્ટ

 520 Total Views

રાજ્યમાં હાલ ચારેબાજુ વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 21થી 27 ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને દેવભુમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આજથી એટલે કે 19થી 22 ઓગસ્ટે તમામ એલર્ટ રહેવા માટે અને જરૂરી આગોતરી તૈયારીઓ કરવા માટે પણ રાહત કમિશ્નર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ઇમરજન્સી સર્વિસિસનાં તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવા માટેની તજવીજ સરકાર દ્વારા હાથ ધરાઇ છે.

કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી સચરાચર મેઘમહેર વરસાવ્યા બાદ મંગળવારે જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હોય તેમ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ ઝાપટાં સિવાય ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડયો નહોતો. જોકે, સાંજે 5.30 વાગ્યાના અરસામાં હળવા ઝાપટાં પડતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત અંજારમાં અઢી ઇંચ, ભચાઉમાં એક ઇંચ તેમજ પાવરપટ્ટી પંથકનાં ગામોમાં પણ ઝાપટાંના પગલે વરસાદી પાણી વહી નીકળ્યા હતા.

સોમવારે નોંધપાત્ર બેથી અઢી ઇંચ વરસાદ પડયા બાદ ભુજમાં મંગળવારે સવારથી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું અને ક્યારેક ક્યારેક ઝરમર વરસાદ પડતો હતો અને બંધ થઇ જતો હતો. જોકે, સાંજે 5.30 વાગ્યે શરૂ થયેલા ઝરમર ઝાપટાં થોડીજ વારમાં જોરદાર વરસાદમાં પરિણમ્યા હતા, જેના પગલે દોઢ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. આ વરસાદી પાણી માર્ગો પર વહી નીકળતાં માર્ગો પરના ખાડાઓમાં પાણી ભરાયા હતા. જિલ્લાનાં માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, લખપત સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાં હળવા ઝાપટાંરૃપે વરસાદ પડયો હતો જેનાથી માર્ગો ભીંજાયા હતા.

અંજારમાં સાંજે 4થી 6 વાગ્યાના અરસામાં એટલે કે 2 કલાકમાં 65 મિમી એટલે કે અઢી ઇંચ વરસાદ પડયો હતો. વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી સતત રોડ પર ભરેલું રહેવાથી દ્વિચક્રી વાહનચાલકો તથા રાહદારીઓને અન્ય રસ્તા પરથી પસાર થવું પડે છે. તાલુકાભરમાં આજે મંગળવારે વરસાદ પડયો હોવાથી કપાસ, તલ, ગુવાર, મગફળી સહિતના પાકોમાં નુકસાની વેઠવી પડશે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

ભચાઉમાં દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે એક ઇંચ પાણી પડયું હોવાનું જિલ્લા કંટ્રોલરૃમમાં નોંધાયું હતું. ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાંજે વરસાદી માહોલ જામતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો. હાલનો વરસાદ ખેતીના પાકને ફાયદો કરાવશે, પરંતુ હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે.

નખત્રાણા તાલુકાના નિરોણા સહિત પાવરપટ્ટીના અનેક ગામોમાં સાંજે જોરદાર વરસાદ પડયો હતો. બપોર બાદ પડેલા વરસાદના પગલે માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. બાળકો વરસાદની મોજ માણવા માટે રસ્તા પર નીકળી પડયા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી જે વરસાદ પડયો છે તેથી ખેતીને ફાયદાકારક ગણાવાઇ રહ્યો હતો, પરંતુ હવે જે વરસાદ પડશે તે નુકસાનકર્તા પણ સાબિત થાય તેવી ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ભારે વરસાદના પગલે નાના-મોટા અનેક ડેમો, તળાવો ઓગની ગયા છે અને કેટલાક ઓગનવાની તૈયારીમાં છે.

ગુજરાતમાં 98 ડેમો હાઇએલર્ટ, 9 ડેમો એલર્ટ પર મુકાયા

વરસાદને પગલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ ચાર ડેમો હાઇએલર્ટ પર મુકાયા છે, આ સાથે જ 18મી ઓગસ્ટના મંગળવાર સુધીમાં ગુજરાતમાં હાઇએલર્ટ ડેમોની સંખ્યા 98 પહોંચી ગઈ છે, આ ડેમોમાં 90 ટકા કરતાં વધુ પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 80થી 90 ટકા ભરાયાં હોય તેવા ડેમોની સંખ્યા 9 છે, જ્યાં એલર્ટનું સિગ્નલ અપાયું છે. 14 ડેમોમાં 70થી 80 ટકા પાણી છે, જ્યાં વોર્નિંગ અપાઈ છે. 84 ડેમોમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ હોવાથી ત્યાંના ડેમો છલોછલ છે.

ગુજરાતમાં કુલ 57 ડેમો 100 ટકા ભરાયા છે, જેમાંથી એકલા સૌરાષ્ટ્રના 47, દક્ષિણ ગુજરાતમાં પાંચ, મધ્ય ગુજરાતમાં એક અને કચ્છમાં 4 ડેમ સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 206 ડેમોમાં 60.66 ટકા જળસંગ્રહ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 81.42 ટકા તો સૌથી ઓછું ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 29.13 ટકા પાણી છે.

Leave a Reply

Your email address will not be published.