International

બ્રિટન માં કોરોના વાઇરસનો ૭૦ ટકા વધુ ચેપી પ્રકાર સામે આવતાં આકરું લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરી.

 1,624 Total Views

બ્રિટનની રાજધાની લંડન અને આસપાસના વિસ્તારોમાં કોરોના વાઇરસનો ૭૦ ટકા વધુ ચેપી પ્રકાર સામે આવતાં વડા પ્રધાન બોરિસ જોનસને શનિવારે રાત્રે લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં આકરું લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરી હતી. બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેનકોકે રવિવારે કબૂલાત કરી હતી કે કોરોના વાઇરસનો નવો પ્રકાર સામે આવ્યો છે અને સ્થિતિ નિયંત્રણ બહાર છે. ક્રિસમસના તહેવાર માટે લોકડાઉનમાં અપાયેલી તમામ છૂટછાટ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં રવિવારથી અમલમાં આવેલા આ લોકડાઉનના કારણે ૧ કરોડ ૬૦ લાખથી વધુ બ્રિટિશરને હવે ઘરમાં જ રહેવું પડશે. જોનસન સરકારે લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં ઘરોમાં એકઠાં થવાં પર પ્રતિબંધ મૂક્યો છે. તે ઉપરાંત સમગ્ર ઇંગ્લેન્ડમાં નાતાલના દિવસે સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આખા બ્રિટનના લોકોને તેમના સ્થાનિક વિસ્તારોમાં જ રહેવાની તાકીદ કરાઇ છે. આ લોકડાઉન ૩૦ ડિસેમ્બર સુધી લાદવામાં આવ્યું છે. જોનસન સરકાર ૩૦મી ડિસેમ્બર બાદ લોકડાઉન અંગે સ્થિતિની સમીક્ષા પછી નિર્ણય કરશે.

બ્રિટનમાં કોરોનાનો

બ્રિટનના વડા પ્રધાન જોનસને ક્રિસમસની પાંચ રજામાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની યોજના તૈયાર કરી હતી પરંતુ કોરોના વાઇરસનો અત્યંત ચેપી પ્રકાર સામે આવતાં લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં તાત્કાલિક લોકડાઉન લાદવાનો નિર્ણય ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો હતો. કોરોના વાઇરસનો નવો પ્રકાર બ્રિટન માટે નવો જ છે અને તે ધાર્યાં કરતાં વધુ ઝડપથી પ્રસરી શકે છે. જોનસને જણાવ્યું હતું કે, જ્યારે વાઇરસ પોતાનો પ્રકાર બદલે છે ત્યારે આપણે સંરક્ષણ માટેની પદ્ધતિ પણ બદલવી પડે છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોરોના વાઇરસનો નવો પ્રકાર દેશમાં હાહાકાર મચાવશે, હોસ્પિટલો છલકાઇ જશે અને મોટી સંખ્યામાં મોત થશે. છેલ્લા એક સપ્તાહમાં લંડનમાં કોરોનાનું સંક્રમણ બમણું થયું છે.

ક્રિસમસના તહેવાર પ્રસંગે જ લંડન અને આસપાસના શહેરોમાં લોકડાઉનના જોનસન સરકારના નિર્ણયની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે લોકડાઉન ઇચ્છતા નથી. કાળજી સમસ્યા કરતાં બદતર હોવી જોઇએ નહીં. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા જોનસનના નિર્ણયને અનુસરશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે તેઓ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની વિરુદ્ધ છે.

લંડનના રેલવે સ્ટેશનો પર પણ કીડિયારું ઊભરાયું

લોકડાઉનની જાહેરાત સાથે જ શનિવારે લંડન અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોએ પલાયન શરૂ કર્યું હતું. લંડનથી બહાર જવા માટે લોકો જે મળ્યું તે વાહનમાં સવાર થઇને શહેર છોડવા લાગ્યા હતા. જેમની પાસે કારની સુવિધા નહોતી તેમણે કાર ભાડે કરવા પડાપડી કરી હતી. લંડનના રેલવે સ્ટેશનો પર પણ કીડિયારું ઊભરાયું હતું.

લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં લદાયેલાં લોકડાઉનના નિયમો

આરોગ્ય જરૂરિયાત અને અત્યંત મહત્ત્વનું કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું
મોટી સંખ્યામાં પરિવારજનોના એકઠાં થવાં પર પ્રતિબંધ
કોઇ પ્રકારની ક્રિસમસની ઉજવણીઓને પરવાનગી નહીં અપાય
બિનજરૂરી સામાનની તમામ શોપ્સ, ઇન્ડોર મનોરંજનનાં સ્થળો, હેર સલૂન બંધ રહેશે ? એક પરિવારની વ્યક્તિ બીજા પરિવારની વ્યક્તિને ખુલ્લી જગ્યામાં મળી શકશે
કન્ટેનમેન્ટ એરિયામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, કન્ટેનમેન્ટ એરિયાના લોકો અન્ય વિસ્તારમાં રાત રોકાઇ શકશે નહીં
વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ

કયાં કયાં શહેરોમાં લોકડાઉન લદાયું

સમગ્ર લંડન શહેર
કેન્ટ
બર્કશાયર
બંકિગહામશાયર
બેડફોર્ડશાયર
લ્યુટન
સરે
હર્ટફોર્ડશાયર
એસેક્સ

યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ અને ટ્રેન પર પ્રતિબંધ લાદ્યા

બ્રિટનમાં કોરોનાનો વધુ ઘાતકી પ્રકાર સામે આવતાં યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદવાનું શરૂ કરી દીધું છે. નેધરલેન્ડે રવિવારથી જ બ્રિટનની પેસેન્જર ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જર્મનીની સરકારે પણ આ દિશામાં સક્રિય વિચારણા શરૂ કરી દીધી હતી. બેલ્જિયમે રવિવાર મધરાતથી બ્રિટનથી આવતી ફ્લાઇટ અને ટ્રેનો પર રોક લગાવી દીધી છે. ઇટાલીએ પણ બ્રિટનની પેસેન્જર ફ્લાઇટને અટકાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.