GUJARAT

અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની માર્કેટ કેપ ૧,૦૦૦ ટકા વધી રૂ. ૮,૦૦૦ કરોડ

 1,054 Total Views

ગ્રૂપની ત્રણ કંપનીની માર્કેટ કેપ ૨૦ ટ્રેડિંગ દિવસમાં બમણી થઈ
રિલાયન્સ પાવરની માર્કેટ કેપ હાલ રૂ. ૪,૪૪૬ કરોડ, રિલાયન્સ ઈન્ફ્રા.ની રૂ. ૨,૭૬૭ કરોડ, રિલાયન્સ કેપિટલની રૂ. ૬૫૩ કરોડ
મુંબઈ, તા.૨૦

એક સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાંથી દેવાળીયા બની ગયેલા અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથની માર્કેટ કેપ ત્રણ મહિનાથી ઓછા સમયમાં ૧૦૦૦ ટકા વધીને રૂ. ૮,૦૦૦ કરોડ થઈ ગઈ છે. રિલાયન્સ જૂથની કંપનીઓમાં સકારાત્મક પરીબળોને પગલે કંપનીઓની માર્કેટ કેપમાં જબરજસ્ત ઊછાળો નોંધાયો છે. રિલાયન્સ જૂથની માર્કેટ કેપ માર્ચમાં રૂ. ૭૩૩ કરોડ હતી, જે મે મહિનામાં વધીને રૂ. ૩,૮૯૦ કરોડ અને ૧૮મી જૂન ૨૦૨૧ના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂ. ૭,૮૬૬ કરોડ થઈ હતી.

અનિલ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ગૂ્રપની કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલની માર્કેટ કેપ છેલ્લા ૨૦ ટ્રેડિંગ દિવસમાં બમણાથી વધુ થઈ ગઈ છે. રિલાયન્સ પાવરની માર્કેટ કેપ હાલ રૂ. ૪,૪૪૬ કરોડ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રૂ. ૨,૭૬૭ કરોડ અને રિલાયન્સ કેપિટલની રૂ. ૬૫૩ કરોડ છે. બીએસઈ પર રિલાયન્સ કેપિટલના ભાવ ત્રણ મહિનામાં રૂ. ૧૧.૦૮થી વધીને રૂ. ૨૬.૧૭ થયો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાવ પણ ત્રણ મહિનામાં રૂ. ૩૨.૩૫થી વધીને રૂ. ૧૦૫.૩૦ થયો છે. રિલાયન્સ પાવરનો ભાવ ત્રણ મહિનામાં રૂ. ૪.૪૮થી વધીને રૂ. ૧૬.૨૩ થયો છે.

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને રિલાયન્સ કેપિટલના અંદાજે ૫૦ લાખ રીટેલ રોકાણકારો છે, જેમણે ગૂ્રપમાં વિશ્વાસ જાળવી રાખતાં તેમની સંપત્તિમાં પણ અસાધારણ વધારો થયો છે. ભારતમાં રિલાયન્સ ગૂ્રપમાં રિટેલ રોકાણકારો સૌથી વધુ છે. રિલાયન્સ પાવરમાં રિટેલ શેરધારકો ૩૩ લાખ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૯ લાખ અને રિલાયન્સ કેપિટલમાં ૮ લાખ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં એફઆઈઆઈ/ મ્યુચ્યુઅલ ફંડ્સે રિલાયન્સ ગૂ્રપ કંપનીઓમાંથી વિદાય લીધી છે અને રિલાયન્સના શૅર્સ ધરાવતા લેન્ડર્સે તેમના શૅર્સ બજારમાં વેચી દીધા છે, જે રિટેલ રોકાણકારોએ ખરીદ્યા હતા. અનિલ અંબાણીના ગૂ્રપની કંપનીઓની માર્કેટ કેપમાં વધારો થતાં રિટેલ રોકાણકારોની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

છેલ્લા ત્રણ સપ્તાહમાં વિવિધ સકારાત્મક પરીબળો અને ગૂ્રપ કંપનીઓમાં પોઝિટિવ ડેવલપમેન્ટને પગલે રિલાયન્સ ગૂ્રપ કંપનીઓના શૅર્સના ભાવમાં ઊછાળો આવ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પ્રમોટર ગ્રૂપમાંથી અને વર્દે ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ, એલએલપી સાથે સંકળાયેલી વીએસએફઆઈ હોલ્ડિંગ્સ પ્રા. લિ.માંથી રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ ઊભું કર્યું હોવાની જાહેરાત કરી હતી. વધુમાં રિલાયન્સ પાવરે દેવાને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવા તેની પ્રમોટર કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧,૩૨૫ કરોડ ઊભા કરવા ઈક્વિટી શૅર્સ અને વોરન્ટ્સના પ્રેફરેન્શિયલ ઈશ્યુની જાહેરાત કરી હતી. રિલાયન્સ કેપિટલ ગૂ્રપ કંપની, રિલાયન્સ હોમ ફાઈનાન્સ પણ તેમની એસેટના મોનેટાઈઝેશનના અંતિમ તબક્કામાં છે. તેની એસેટ્સ માટે ઔથુમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. ૨,૮૮૭ કરોડની બીડ વેલ્યુ સાથે સૌથી સફળ બીડર તરીકે ઊભરી આવી છે. આ સાથે રિલાયન્સ કેપિટલનું દેવું ઘટીને રૂ. ૧૧,૦૦૦ કરોડ થઈ જશે. તાજેતરમાં એક્સિસ બેન્ક અને યસ બેન્કે રિલાયન્સ કેપિટલના ખાતાનું રેડ ફ્લેગ ક્લાસિફિકેશન દૂર કરવાનો નિર્ણય કરતાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની દેવામાં ઘટાડો કરવાની પહેલે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી અને રિલાયન્સ કેપિટલની એસેટ્સના મોનેટાઈઝેશનનો માર્ગ મોકળો થયો હતો.

Leave a Reply

Your email address will not be published.