1,262 Total Views
કોરોના કાળમાં ગુજરાત વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે, એટલે કે હાલ ગુજરાતમાં પેટાચૂંટણીઓનું કોઈ આયોજન નથી. પરંતુ 29 સપ્ટેમ્બરે ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજવી કે નહીં તેની એક બેઠક મળશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવાશે.
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા પત્રકાર પરિષદને સંબોધી હતી. કેન્દ્રીય ચૂંટણીપંચે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ટાળી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસાની ખાલી સીટો પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.