GUJARAT

તેજ પ્રતાપ યાદવની અગરબત્તી કંપનીના 71 હજાર રૂપિયા લઈને કર્મચારી ફરાર, પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ

 550 Total Views

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજ પ્રતાપ યાદવે થોડા મહિનાઓ પહેલા અગરબત્તીનો કારોબાર શરૂ કર્યો હતો. તેમની કંપની એલઆર અગરબત્તીનો એક કર્મચારી 71 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. આ ઘટના બાદ તેજ પ્રતાપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તેજ પ્રતાપે એસકેપુરી પોલીસ સ્ટેશન ખાતે આશીષ રંજન નામના કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આશીષ કંપનીમાં માર્કેટિંગનું કામ જોતો હતો. તેના પર આરોપ છે કે, તે કંપનીના 71 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગયો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને આરોપી આશીષને શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

આરોપી આશીષ રંજન પટનાનો જ રહેવાસી છે. તેજ પ્રતાપે થાણા અધ્યક્ષને જણાવ્યું કે, ‘આશીષ રંજન મારા ત્યાં માર્કેટિંગનું કામ સંભાળે છે. તેણે મારી મંજૂરી વગર ફ્રોડ કરીને પોતાના એકાઉન્ટમાં 71 હજાર રૂપિયા મંગાવી લીધા. આ પૈસા મારી કંપની એલઆર રાધા કૃષ્ણા અગરબત્તીના એકાઉન્ટમાં પહોંચવા જોઈતા હતા. આ કારણે આશીષ રંજન વિરૂદ્ધ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.’

તેજ પ્રતાપે થોડા મહિના પહેલા જ અગરબત્તી કંપનીની શરૂઆત કરી હતી. તેમણે કરેલા દાવા પ્રમાણે તેમની અગરબત્તીમાં કેમિકલનો ઉપયોગ નથી થતો અને તે મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોમાંથી બનાવવામાં આવે છે. તેજના કહેવા પ્રમાણે આવી અગરબત્તી તેમણે મથુરા-વૃંદાવન ખાતેથી ખરીદી હતી. ત્યાર બાદ દિલ્હીમાં એક મિત્રની ફેક્ટરીમાં બનતી જોઈ એટલે તેમને પણ તેનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો. તેજ પ્રતાપે તેમની અગરબત્તીની સુવાસ 10 દિવસ સુધી પ્રસરેલી રહે છે તેવો દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.