International

ઇન્ડોનેશિયના સુલાવેસી ટાપુ પર ભૂકંપના કારણે ૪૨ લોકોનાં મોત.

 1,306 Total Views

ઇન્ડોનેશિયના સુલાવેસી ટાપુ પર શુક્રવારે મધરાત બાદ સ્થાનિક સમય પ્રમાણે ૧.૩૦ કલાકે ત્રાટકેલા ૬.૨ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૪૨ લોકોનાં મોત થયાં હતાં અને ૬૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. માજેને શહેરથી ૬ કિમી દૂર જમીનની સપાટીથી ૧૦ કિમી ઊંડાઈએ ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. ભૂકંપના કારણે માજેને શહેરમાં સંખ્યાબંધ મકાનો અને હોસ્પિટલ ધરાશાયી થયાં હતાં. ધ્રુજારી અનુભવાતાં હજારો લોકો જીવ બચાવવા ઊંચાઈ ધરાવતા સ્થળો તરફ જીવ બચાવવા નાસી છૂટયાં હતાં. ભૂકંપ અને આફ્ટર શોકને કારણે માજેને, મકાસ્સર જેવા શહેરોમાં વીજળી ગુલ થઈ હતી, સંખ્યાબંધ સ્થળે ભૂસ્ખલન થયાં હતાં. શહેરોને જોડતાં પુલોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. મકાસ્સરમાં ૩૦૦ કરતાં વધુ મકાનો, બે હોટેલ અને ગવર્નરની કચેરી ધરાશાયી થયાં હતાં. મામુજુ અને માજેન શહેરોમાં પણ કાટમાળના કારણે ૬૦૦ કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી.

ભૂકંપ બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. બચાવ અધિકારીના જણાવ્યા અનુસાર કેટલાં લોકોનાં મોત થયાં છે તે હજુ કહી શકાય તેમ નથી. મોટી સંખ્યામાં લોકો હજુ કાટમાળ હેઠળ દટાયાની સંભાવના છે. અમે લોકોેને બહાર કાઢી રહ્યાં છીએ અને રાહત શિબિરો શરૂ કરી રહ્યાં છીએ. મોટાભાગની જાનહાનિ મામુજુ શહેરમાં નોંધાઈ છે. ઘણા વિસ્તારો સાથેનો સંપર્ક કપાઈ ગયો હોવાથી જાનહાનિનો આંકડો ઊંચો જઈ શકે છે.

મામુજુ શહેરમાં મિત્રા હોસ્પિટલ ધરાશાયી થઈ છે. ઓછામાં ઓછી પાંચ નર્સ અને ડઝનથી વધુ દર્દીઓ કાટમાળમાં દટાયાં છે. શહેરના એરપોર્ટની વિવિધઇમારતોને પણ વ્યાપક નુકસાન થયું છે.

સંખ્યાબંધ આફ્ટરશોક પછી સુનામીની શક્યતા

૬.૨ના ભૂકંપ પહેલાં આ વિસ્તારમાં ૨.૯થી વધુની તીવ્રતાના ૬ આંચકા અનુભવાયાં હતાં. શક્તિશાળી ભૂકંપ બાદ અત્યાર સુધીમાં ૨૬ આફ્ટરશોક નોંધાઈ ચૂક્યાં છે. સરકારે વધુ શક્તિશાળી ભૂકંપ અથવા સુનામીની સંભાવનાને જોતાં લોકોને મકાનોમાં નહીં જવાની સૂચના આપી છે. હજારો લોકો શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.