1,114 Total Views
ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 22ના મોત થતા તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. કોવિડ હોસ્પિટલમાં જે 22 દર્દીઓ કોરોનાથી મોત થયું છે, તેમાં રાજકોટ શહેરના 16 અને ગ્રામ્ય વિસ્તારના 3 અને જિલ્લાના 3 દર્દીઓનો સમાવેશ થાય છે.
સોનીબજારના વેપારી-પરિવારોમાં કોરોનાના વધતા કેસ અને મોતથી ઝવેરીઓમાં ફફડાટ વધી રહ્યો છે ત્યારે ભયભીત જવેલર્સોએ ફરી એક વખત સ્વૈચ્છીક લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. તા.12ને શનિવારથી તા.19 સુધી તમામ જવેલર્સોએ શોરૂમ બંધ રાખીને સંક્રમણ રોકવામાટેનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો છે.
રાજકોટમાં કોરોનાએ 35 ઝવેરીનો ભોગ લઈ લીધો છે. ત્યારે શનિવારથી રાજકોટ સોની બજારમાં સ્વૈચ્છીક લૉકડાઉન થવા જઈ રહ્યું છે. એક સપ્તાહ બાદ સ્થિતિ જોઇને આગળનો નિર્ણય લેવાનો તંત્રએ નિર્ણય લીધો છે. કોરોના મહામારી વધુ ઘાતક બની રહી છે અને અત્યાર સુધીમાં 35થી વધુ સોની વેપારીઓ કે તેમના પરિવારજનોનો ભોગ લેવાઈ ગયો છે ત્યારે ભયભીત બનેલા ઝવેરીઓએ એક સપ્તાહનું લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશને સ્વૈચ્છીક લોકડાઉનની દિશામાં વિચારણા શરૂ કરી હતી તેને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યુ હતું.
ઉપરાંત સોનીબજારના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય એસોસિએશનો પણ તેમાં સામેલ થાય તેવી શકયતા છે. મોટાભાગના ઝવેરીઓના પોઝીટીવ રીપ્લાય આવતા શનિવારથી એક સપ્તાહ સુધી તમામ જવેલર્સ-શોરૂમ બંધ રાખવાનું નકકી કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકમાં જ વધુ બે સોની વેપારીઓનો કોરોનાથી સ્વર્ગવાસ થયા છે. અત્યાર સુધીમાં 35થી વધુનો ભોગ લેવાયો છે એટલે માર્કેટમાં ગભરાટ છે.