India International

અમેરિકા વિદેશી વિદ્યાર્થીઓને ‘ઘરભેગાં’ કરશે

 1,135 Total Views

– યુનિવર્સિટીના ઓનલાઇન ક્લાસ શરૂ થતાં ઇમિગ્રેશન વિભાગે વિદ્યાર્થીઓને સ્વદેશ જવાનો આદેશ કર્યો
– અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરતાં અઢી લાખ ભારતીય સહિત 10 લાખ વિદેશી સ્ટૂડન્ટ્સને સ્વદેશ પાછા ફરવું પડશે

એફ-1, એમ-1 વિઝા ધરાવતા લાખો વિદ્યાર્થીઓને અસર થશે

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 7 જુલાઇ, 2020, મંગળવાર

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે આદેશ આપ્યો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઈન ચાલતા હોય તેમણે અમેરિકા છોડીને પાછા ફરવું પડશે. ઓનલાઈન ક્લાસ ચાલતા હોવાથી તેમને અમેરિકામાં રહેવું ફરજિયાત નથી.

આવી સિૃથતિમાં અંદાજે 10 લાખ વિદેશી સ્ટૂડન્સ્ને સ્વદેશ જવાનો આદેશ અમેરિકન સરકારે કર્યો છે. જો વિદેશી સ્ટૂડન્ટ્સ પાછા નહીં ફરે તો તેમનો દેશનિકાલ કરાશે. અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે નવો આદેશ જારી કર્યો હતો.

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગના આદેશ પ્રમાણે વિદેશી સ્ટૂડન્ટ્સે અમેરિકા છોડીને સ્વદેશ પાછા ફરવું પડશે. વિદેશી સ્ટૂડન્ટ્સ જે યુનિવર્સિટીમાં સ્ટડી કરતા હશે એ યુનિવર્સિટીએ જો ‘માત્ર ઓનલાઈન’ કેટેગરીના ક્લાસ શરૂ કરી દીધા હશે તો એવા વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે નહીં. ‘માત્ર ઓનલાઈન’ ક્લાસ હોવા છતાં જે વિદેશી સ્ટૂડન્ટ્સ અમેરિકામાં રહેશે તો તેમને ફરજિયાત દેશનિકાલ કરાશે.

જે વિદ્યાર્થીઓની યુનિવર્સિટીઓએ માત્ર ઓનલાઈન ક્લાસની જાહેરાત નહીં કરી હોય તેવા સ્ટૂડન્ટ્સ રહી શકશે, પરંતુ અમેરિકન સરકાર યુનિવર્સિટીઓને પણ માત્ર ઓનલાઈન ક્લાસ ચલાવવાનું દબાણ કરી રહી હોવાથી મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓને આ નવો નિયમ અસરકર્તા રહેશે.

ઈમિગ્રેશન વિભાગે એક નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે 2020નું હવે પછીનું સેમેસ્ટર ક્લાસરૂમમાં બેસીને લેવાશે નહીં એટલે વિદેશી સ્ટૂડન્ટ્સને અમેરિકામાં રહેવું જરૂરી નથી. તેમનો બાકીનો અભ્યાસક્રમ ઓનલાઈન લેવાશે.

સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું જે સેમેસ્ટર શરૂ થશે એ સંદર્ભમાં આ નવું નોટિફિકેશન લાગુ પડશે. 2018-19ના એજ્યુકેશન સેશનમાં 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓ હતા, જેમાં અઢી લાખ વિદ્યાર્થીઓ તો ભારતના હતા. સૌથી વધુ અસર ચીન અને ભારતના વિદ્યાર્થીઓને થશે.

ભારતના 2.51 લાખ સ્ટૂડન્ટ્સ અમેરિકામાં સ્ટડી કરે છે. ચીનના સૌથી વધુ 4.78 લાખ વિદ્યાર્થીઓ અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં સ્ટડી કરે છે. જે સ્ટૂડન્ટ્સ એફ-1 અને એમ-1 કેટેગરીના વિઝા મેળવીને અમેરિકામાં સ્ટડી માટે ગયા હતા તેમને સૌથી વધુ અસર થશે.

એટલું જ નહીં, 2020ના નવા સત્રથી અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં જેમનો અભ્યાસક્રમ શરૂ થવાનો હશે તેમને પણ આ નવા નિયમની અસર થશે. આ નિર્ણયથી એવા દેશોના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે, જે દેશમાં હજુ પણ ટ્રાવેલ બેન છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થઈ નથી એવા દેશોના વિદ્યાર્થીઓ સ્વદેશ કેવી રીતે પહોંચશે તે પણ મોટો સવાલ ખડો થશે.

નવો નિયમ ભયાનક અને ઘાતક અમેરિકી શિક્ષણવિદોનો આક્રોશ

નવી ગાઈડલાઈનના કારણે વિદેશી સ્ટૂડન્ટ્સની બાબતે અંધાધૂંધી સર્જશે : અમેરિકી સાંસદોએ વિરોધ કર્યો

વૉશિંગ્ટન, તા. 7

હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ લેરી બેકોવે વિદ્યાર્થીઓની તરફેણમાં આક્રમક મત વ્યક્ત કરતા કહ્યું હતું કે ઈમિગ્રેશન વિભાગનો આ નિર્ણય ઉતાવળિયો અને મંદબુદ્ધિથી લેવાયો છે. આનાથી સ્ટૂડન્ટ્સ ક્રાઈસિસ સર્જાશે અને અસંખ્ય વિદેશી સ્ટૂડન્ટ્સ રઝળી પડશે.

સેનેટર એલિઝાબેથ વોરેને કહ્યું હતું કે રાતોરાત વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનો નિર્ણય ખૂબ જ ઘાતકી અને મુર્ખતાપૂર્ણ છે. આ નોટિફિકેશનથી વિદ્યાર્થીઓ પરેશાન થશે. અમેરિકન કાઉન્સિલ ઓન એજ્યુકેશનના પ્રમુખ ટેડ મિશેલે કહ્યું હતું કે આ નિર્ણયથી નવા સવાલો ખડા થશે.

ભવિષ્યમાં પણ વિદેશી સ્ટૂડન્ટ્સ અમેરિકા આવતા પહેલાં વિચાર કરશે. આ નિર્ણય એક તરફી છે. કાન્સિલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ટેરી હાર્ટલે કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પરવાનગી લઈને આવ્યા છે તેમને રાતોરાત પાછા મોકલવાથી કઈ સમસ્યાનું સમાધાન થઈ રહ્યું છે તે સમજની બહાર છે. દુનિયાભરમાં ટ્રાવેલ પ્રતિબંધ છે ત્યારે આ નિર્ણયથી અંધાધૂંધી સર્જાશે.

સેનેટર બર્ની સેન્ડર્સે કહ્યું હતું કે આ વ્હાઈટ હાઉસની ક્રૂરતાની સીમા છે. લાખો સ્ટૂડન્ટ્સને રાતોરાત રઝળાવી દેવા છતાં વ્હાઈટ હાઉસને કોઈ જ ફરક પડયો નહીં. વિદેશી વિદ્યાર્થીઓ ક્લાકરૂમમાં જવા માટે આવ્યા છે, વતન પાછા ફરવા આવ્યા નથી. તેમની સાથે આવું વર્તન યોગ્ય નથી

Leave a Reply

Your email address will not be published.