GUJARAT

અમદાવાદીઓ તૈયાર રહેજો! રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી

 1,073 Total Views

રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી દક્ષિણના પરવનો પ્રવર્તી રહ્યાં છે, ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ આગામી બે દિવસો દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડવાની શક્યતા છે. વરસાદની ગેરહાજરીને કારણે 36.4 ડિગ્રી સાથે વડોદરા સૌથી ગરમ શહેર હતું. અમદાવાદમાં સવારે ગરમીનું પ્રમાણ રહ્યા બાદ બપોર પછી વાદળિયું વાતાવરણ સર્જાયું હતું. શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ અમદાવાદમાં પણ વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

અત્રે નોંધનીય છે કે, રવિવારે ભારે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં નદીઓ વહેતી થઈ હતી. તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લોર, ફાચારિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ખાંભાના પચપચીયા, ધૂંધવાણા, બોરાળા, ચકરાવા, હનુમાનપુર, કંટાળા ગામમાં વરસાદ પડ્યો હતો.

અમરેલીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખાંભાના પચપચીયાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાયડી ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 121 ડેમ ઓવરફ્લો, 167 હાઈએલર્ટ પર

ગુજરાતમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં ઓવરફ્લો ડેમોની સંખ્યા 121 પર પહોંચી ગઈ છે તો 167 ડેમો ઉપર હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે. એલર્ટ ડેમોની સંખ્યા 10 અને વોર્નિંગ અપાઈ હોય તેવા ડેમોની સંખ્યા પાંચ ઉપર પહોંચી છે, માત્ર 23 ડેમ એવા છે જ્યાં સંગ્રહ ક્ષમતા કરતાં 70 ટકાથીયે ઓછું પાણી છે એટલે ત્યાં કોઈ સિગ્નલ અપાયા નથી, તેમ નર્મદા વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે.

સરદાર સરોવર ડેમમાં અત્યારે 89.98 ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર સહિત રાજ્યના 206 ડેમોમાં કુલ 87.24 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 95.13 ટકા છે. સૌરાષ્ટ્રના કુલ 86 ડેમો 100 ટકા સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં પણ 91.16 ટકા પાણી છે.

Leave a Reply

Your email address will not be published.