1,413 Total Views
બાઇડેન દ્વારા અમેરિકી પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની ટીમના મૂળ ભારતીયો પણ ફરી ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં જ એક એવું તારણ સામે આવ્યું છે જેના પગલે અમેરિકામાં વસતા ભારતીયોમાં આશ્ચર્ય ઊભું થયું છે. અહેવાલો પ્રમાણે બાઈડેનની ટીમમાં ભારતના રાજકીય પક્ષ ભાજપ અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ સાથે જોડાણ ધરાવતા મૂળ ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું નથી. બાઈડેનની ટીમમાં ૨૦ ભારતીય-અમેરિકીઓની નિમણૂક કરવામાં આવી છે પણ આ બેકગ્રાઉન્ડ ધરાવતા કોઈપણ ભારતીયને તક આપવામાં આવી નથી. મીડિયા અહેવાલ પ્રમાણે બરાક ઓબામાના કાર્યકાળમાં તેમની સાથે રહેનારા સોનલ શાહને બાઈડેનની ટીમમાં સ્થાન અપાયું નથી. બાઈડેન સાથે જ ચૂંટણીપ્રચારમાં સાથ આપનારા અમિત જાનીની પણ પ્રેસિડેન્ટ બાઈડેનની ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. સૂત્રોના મતે ઘણા સેક્યૂલર ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન દ્વારા બાઈડેન અને હેરિસ ઉપર આ મુદ્દે દબાણ કરાયું હોવાની ચર્ચા છે.
આંતરિક રીતે વિરોધ થઈ રહ્યો હોવાની ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંઘ સાથે જોડાયેલા નેતાઓને લાવા મુદ્દે બાઈડેનની ટીમમાં આંતરિક વિરોધ થઈ રહ્યો હોવાની ધારણા છે. બાઈડેનની ટીમમાં એક તરફ ઉઝરા ઝેયા જેવા સિનિયર ડિપ્લોમેટ છે જેમણે દેવયાની ખોબ્રાગડે કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તો બીજી તરફ સમીરા ફાઝિલી જેવા નેતાઓ છે જેમણે સીએએ, એનઆરસી અને કાશ્મીર લોકડાઉન મુદ્દે અમેરિકામાં રેલીઓ કાઢી હતી. બીજી તરફ સંઘ સાથે સંકળાયેલા નેતાઓને સ્થાન આપવામાં આવે તો સ્થિતિ વણસે તેવા અંદાજ હતા.