732 Total Views
– એવું માનવામાં આવે છે કે, કેપ્ટન અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડી શકે છે પરંતુ આ વાતને લઈ કોઈ જ પૃષ્ટિ નથી કરવામાં આવેલી
નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર
પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હીમાં છે. અમરિંદર સિંહ ગુરૂવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. તેના પહેલા બુધવારે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.
અમરિંદર સિંહ અને અજિત ડોભાલની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, પૂર્વ મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન સાથેના કનેક્શન અંગે સવાલ કરવામાં આવ્યા હતા.
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં ઉંચા પદે હોય તે યોગ્ય નથી કારણ કે, તેઓ ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર બાજવા સાથે મિત્રતા ધરાવે છે.
કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહ સાથેની મુલાકાત અંગે કહ્યું હતું કે, મુલાકાત દરમિયાન તેમણે કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ખેડૂતોના મુદ્દાને શક્ય તેટલી ઝડપથી ઉકેલવા વિનંતી કરી હતી. સાથે જ એમએસપીની ગેરન્ટીની માગણી કરી હતી.