845 Total Views
– ભારત આવવા માટે ઘણાં બધા હિંદુઓ તરફથી તેમને મદદ કરવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવેલો
નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ, 2021, બુધવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનની કટ્ટર ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની જાહેરાત બાદ એક તરફ જ્યાં સ્થાનિક નિવાસીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે ત્યાં બીજી બાજુ એક ભારતીય પુજારીએ આ સંકટ દરમિયાન પણ પોતાનું મંદિર છોડવાની ના પાડી દીધી છે.
કાબુલ ખાતેના અંતિમ ભારતીય પુજારીનો સ્વદેશ આવવા ઈન્કાર
કાબુલના રતન નાથ મંદિરના પુજારી પંડિત રાજેશ કુમારે જણાવ્યું કે, તેઓ ભગવાનને મુકીને જવાના બદલે તાલિબાનના હાથે મરવાનું પસંદ કરશે. પંડિત રાજેશ કુમારની આ વાત એક ટ્વીટર હેન્ડલે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તેમાં તેમણે ભારત આવવા માટે ઘણાં બધા હિંદુઓ તરફથી મદદ કરવાનો પ્રસ્તાવ અપાયો હોવાનું જણાવ્યું હતું. સાથે જ એમ પણ કહ્યું હતું કે, હું પૂર્વજોના આ મંદિરને નહીં છોડું, મારા વડીલોએ અનેક વર્ષો સુધી તેમાં ભગવાનની સેવા કરી છે. હું મંદિર નહીં જ છોડું. જો તાલિબાનીઓ મને મારી નાખશે તો હું તેને મારી (ભગવાન માટેની) સેવા જ સમજીશ.