1,327 Total Views
અરબી સમુદ્રના કચ્છ કાંઠે તણાઈને આવતા ચરસના પેકેટો મળવાનો સિલસિલો ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. વિવિધ એજન્સીઓને સર્ચ ઓપરેશનમાં રૂ. ૬૯ લાખની કિંમતના વધુ ૪૬ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો પણ અગાઉના પેકેટો પૈકીના હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હવે પાકિસ્તાની કનેક્શન સામે આવતું હોઈ તપાસની ગંભીરતા પણ વધી રહી છે.
ગુરુવારે સવારથી સાંજ સુધી ચાલેલા સર્ચમાં કોરીક્રીક વિસ્તારમાંથી બીએસએફને ૨૦ પેકેટ, જખૌ દરિયાઈ વિસ્તારમાંથી કોસ્ટગાર્ડને ૨૧ અને એમટીએફને ૫।ંચ પેકેટ હાથ લાગ્યા હતા. પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવતું નથી. હાલે બોટ અને FFC પર ધ્યાન કેન્દ્રીત કરી તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેછે.
ચરસના ડબલ કોટેડ પેકેટો જે બોરીઓમાં પેક થઈને આવે છે તે ફર્ટિલાઈઝર ખાતરની પોલિથીન બેગ છે. એક બોરીમાં પચીસ પેકેટો રાખી તેને વ્યવસ્થિત રીતે પેક કરેલા હોય છે. FFC એટલે કે, ફોજી ફર્ટિલાઈઝર કંપની ત્રણ દેશમાં ખાતરનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળે છે. ઈરાન, અફઘાન અને પાકિસ્તાનમાં તેનું ઉત્પાદન થાય છે.
બોટ દરિયામાં કઈ જગ્યાએ ડૂબી ?
આજથી ત્રણેક માસ પહેલાં ચરસનો જથ્થા લઈ નીકળેલી બોટ પર ચોક્કસ ફાયરિંગ થયું હતું, પરંતુ કઈ જગ્યાએ થયું તેના વિશે પણ મતમતાંતરો છે. બોટ ખરેખર ક્યાંની હતી તેની પણ બે બાબતો છે. પાકિસ્તાનની જળ સીમામાં તેના પર ફાયરિંગ થતાં તે બોટ ડૂબી ગઈ હતી. ભારે ભરતીમાં ચરસના પેકેટો અહીં આવે છે તે જોતાં ભારતીય જળસીમાની નજીક ડૂબેલી બોટ હોવી જોઈએ.