India

કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન થઈ અને તેના પરિણામો પણ જાહેર થતાં કાશ્મીરમાં લોકતંત્રનો એક નવો અધ્યાય શરૂ.

 1,609 Total Views

કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન થઈ અને તેના પરિણામો પણ જાહેર થતાં કાશ્મીરમાં લોકતંત્રનો એક નવો અધ્યાય શરૂ થયો છે. અશાંત કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની દહેશત વચ્ચે પ્રજાજીવન અસ્ત વ્યસ્ત બની ગયુ હતું. વર્ષોથી આ પરિસ્થિતિ ચાલી આવતી હતી. એવામાં કાશ્મીરમાં ઓગષ્ટ-૨૦૧૯માં બંધારણની કલમ ૩૭૦ રદ કરવાની અને જમ્મુ – કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરીને આર્ટિકલ ૩૫-એ પણ હટાવવામાં આવ્યો, ત્યારે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવામાં આવશે તો અહીંયા કોઈ ભારતનો ઝંડો ઉઠાવવાળા પણ નહિ બચે. આ સંજોગોમાં કાશ્મીરમાં ચૂંટણી થઈ અને લોકોએ ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં ભાગ લીધો. જિલ્લા વિકાસ પરિષદની આ ચૂંટણીમાં ૫૧ ટકા મતદાન નોંધાયું તે એક વિક્રમ છે. કારણ કે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરમાં માત્ર ૨૩ ટકા મતદાન નોંધાયું હતું તથા જ્યારે ફારૂક અબ્દુલ્લા લોકસભા ચૂંટણી જીત્યા હતા ત્યારે માત્ર ૭ ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની આ ચૂંટણીએ આતંકવાદના મોં પર તમાચો છે. જે તાકાતો અને તત્વો જમ્મુ કાશ્મીરને સતત આગમાં રાખવાની કોશિષો કરતા હતાં તે તત્વોને જમ્મુ કાશ્મીરની જનતાએ તમાચો માર્યો છે અને પ્રજાને લોકશાહીમાં વિશ્વાસ છે તે વાત આ ચૂંટણી બાદ છતી થઈ છે. પંચાયતી ચૂંટણીમાં કોની હાર થઈ અને કોની જીત થઈ તે મહત્વનું નથી. પરંતુ, કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી યોજાઈ, લોકો મતદાન કરવા બહાર નીકળ્યા, પોતાના પ્રતિનિધિને ચૂંટયા તે વાત પુરવાર કરે છે કે પ્રજાને વિકાસમાં રસ છે વિનાશમાં નહી. પ્રજાને કાશ્મીરમાં કોણ રાજ કરે છે તેમાં રસ નથી પરંતુ પોતાના વિસ્તારમાં સ્કૂલો અને રોડ રસ્તા બને, રોજગારી મળે, તે વાતમાં વિશેષ રસ છે તે આ ચૂંટણીએ સાબિત કર્યું છે.

જિલ્લા પરિષદની આ ચૂંટણીએ કાશ્મીરના રાજનેતાઓને પણ એક સબક શીખવાડયો છે કાશ્મીરમાં પોતાનું જ ચાલે તેવા વહેમમાં રાચતી પ્રાદેશિક પાર્ટીઓને ભાજપે આ ચૂંટણીના પરિણામોથી બતાવી દીધુ છે કે પ્રજા કોઈની ગુલામ નથી. મતદારો જેને ઈચ્છે તેને રાજા બનાવી શકે છે. જિલ્લા પરિષદની ચૂંટણી ૮ તબક્કાઓમાં યોજાઈ હતી. પહેલા તબક્કાનું મતદાન ૨૮મી નવેમ્બરે થયુ હતુ જ્યારે ૮મા તબક્કાનું મતદાન ૧૯મી ડિસેમ્બરે પુરુ થયું. મતગણતરી બાદ ૨૮૦ બેઠકોમાંથી સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ૭૪ બેઠકો સાથે ઊભરી આવી છે જ્યારે જુદીજુદી સાત પાર્ટીઓનું ગઠબંધન જે ગુપકર ગઠબંધનથી જાણીતું છે તેને ૧૧૦ બેઠકો મળી છે. ગુપકર ગઠબંધનમાં જે સાત પક્ષો ભેગા મળીને ચૂંટણી લડયા હતા તેમાં નેશનલ કોન્ફરન્સ (ફારૂક અબ્દુલ્લા),પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (મહેબુબા મુફતી), પીપલ્સ કોન્ફરન્સ, ઝ્રઁં-ઝ્રઁંસ્, આવામી નેશનલ કોન્ફરન્સ અને જમ્મુ કાશ્મીર પીપલ્સ મુવમેન્ટનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં ૫૦ થી વધારે ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં ૨૬ બેઠકો મળી છે. પરિણામો બાદ ભાજપના નેતાઓ ફૂલફોમમાં હતાં. ભાજપના પ્રવક્તા અને કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે પરિણામોનું વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે જમ્મુકાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના પરિણામો એ ભારતની જીત છે, ભારતના લોકતંત્રનો વિજય છે, આ જમ્મુ કાશ્મીરની જનતાનો વિજય છે, આ આશા અને વિકાસનો વિજય છે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભાજપએ આ ચૂંટણીમાં ૭૪ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે નેશનલ કોન્ફરન્સને ૬૭ બેઠકો, પીડીપીને ૨૭ અને કોંગ્રેસને ૨૬ બેઠકો મળી છે. પ્રસાદનું કહેવું છે કે જે લોકો ગુપકર ગઠબંધનના વિજયની વાત કરે છે પરંતુ, આ ગઠબંધનમાં જોડાયેલી પાર્ટીઓ ભાજપની સામે એકલા જીતાશે નહીં તે ડરથી ભેગી થઈ હતી. તેમ છતાં ભાજપે આ ગઠબંધનની જોડાયેલી પાર્ટીઓ કરતા વધારે બેઠકો મેળવીને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે જમ્મુ-કાશ્મીરમાં ઉભરી આવી છે. પ્રસાદનો દાવો હતો કે જિલ્લા વિકાસ પરિષદમાં ભાજપને મળેલા મતો NCP, PDP અને કોંગ્રેસ એ ત્રણેય પાર્ટીઓને મળેલા કુલ મતોના ટોટલ કરતાં વધારે છે.

ભાજપને ટોટલ ૪,૮૭,૩૬૪ મતો મળ્યાં છે જ્યારે નેશનલ કોન્ફરન્સને ૨,૮૨,૫૧૪, પીડીપીને ૫૫,૭૮૯ અને કોંગ્રેસને ૧,૩૯,૩૮૨ મતો મળ્યાં છે. ભાજપને આ ત્રણેય પાર્ટીઓના મળેલા મતોના સરવાળા કરતા વધારે મત મળ્યા તોય કાશ્મીરની જનતાનો ભાજપ પર વિશ્વાસ છે અને જનતાએ રાજ કરવાવાળા અને કામ કરાવવાળા વચ્ચેનો ભેદ ઓળખી લીધો છે. લોકોએ જોયું છે કે લોકશાહી તેમના દરવાજા પર વિકાસના ટકોરા મારી રહી છે. પ્રસાદે તો ત્યાં સુધી કહ્યું કે કાશ્મીરના કેટલાક તત્વો આતંકવાદી બુરહાનવાનીને હીરો બનાવીને ફરતાં હતાં. પરંતુ બુરહાનવાનીના ગામમાં પણ ગુપકર ગેંગની હાર થઈ છે. ભાજપના જમ્મુ-કાશ્મીરના પ્રભારી અનુરાગ ઠાકુરે પણ કહ્યું હતું કે આ ચૂંટણીએ ગુપકર ગેંગના મોં પર જબરદસ્ત તમાચો છે. હવે ટૂંક સમયમાં જ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. કાશ્મીરની જનતાને અમારું વચન છે કે પૂર્ણ રાજ્ય બનશે અને તમારો સી.એમ. પણ બનશે.

જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ ૨૧૭૮ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ૪૫૦ થી વધારે મહિલા ઉમેદવારો પણ ચૂંટણી લડતી હતી. આ એક લોકશાહી માટે ઉજ્જવળ બાબત હતી. ચૂંટણીએ એ સાબિત કર્યુ છે કે લોકોને હજુપણ લોકશાહીમાં ભરોસે છે. આ ચૂંટણીએ બીજી એ વાત સાબિત કરી કે ભાજપે ધમાકેદાર એન્ટ્રી જમ્મુ કાશ્મીરના રાજકારણમાં કરી છે.

ત્રીજી વાત એ છે કે ગુપકર ગઠબંધન ભાજપ સામે એક મજબૂત વિકલ્પ બનીને ઉભર્યુ છે. આ ગઠબંધન જો વિધાનસભામાં પણ જળવાઈ રહે તો ભાજપ સામે એક પડકાર બનશે. ચોથી વાત એ બહાર આવી છે કે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો એક નવી તાકાત બનીને ઉભર્યા છે. પ૦ જેટલા અપક્ષ ઉમેદવારોનું ચૂંટાવુ એ રાજકીય પાર્ટીઓના મો પર તમાચો પણ છે. લોકોને સ્થાનિક ચહેરા વધારે પસંદ છે. તેઓ પાર્ટીની સામે નહિ પરંતુ વ્યક્તિગત ઓળખાણ પર વધુ ભરોસો કરે છે તે સાબિત થયું છે.

જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીએ પાકિસ્તાન સહિત દુનિયાના દેશોને એ મેસેજ આપ્યો છે કે કાશ્મીરના લોકો આજેપણ લોકશાહીમાં શ્રધ્ધા રાખે છે અને વિકાસને પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published.