GUJARAT

ઉ. પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવામાં ફરી ભાજપની સરકાર રચાવાનો સરવેમાં વરતારો

 862 Total Views

આગામી વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો સરવે જાહેર

પંજાબમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ બેઠકો મળવાનો દાવો, સત્તાધારી કોંગ્રેસ બીજા ક્રમે રહે તેવી શક્યતા

ઉત્તર પ્રદેશમાં 45 ટકા લોકો યોગી સરકારના કામકાજથી ખુશ, 34 ટકા નાખુશ હોવાનો પણ દાવો

નવી દિલ્હી : આગામી વર્ષ 2022માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે જેમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરનો પણ સમાવેશ થાય છે. જોકે હાલમાં જારી થયેલા એક સરવેમાં દાવો કરાયો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને 259થી 267 બેઠકો મળશે અને ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે બીજા ક્રમે સમાજવાદી પાર્ટી રહેશે જેને 100થી વધુ બેઠક મળવાનું અનુમાન છે. 15 જેટલી બેઠકો સાથે બીએસપી ત્રીજા ક્રમે અને કોંગ્રેસને 3થી 7 બેઠક મળવાની શક્યતાઓ આ સરવેમાં વ્યક્ત કરાઇ છે.

આ સરવે એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા હાથ ધરાયો છે. જેમાં દાવો કરાયો છે કે જવાબ આપનારાઓમાંથી ત્રણ ટકા મતદારો માટે ભ્રષ્ટાચાર, 39 ટકા માટે બેરોજગારી, 26 ટકા માટે મોંઘવારી, 19 ટકા માટે ખેડૂતો, 10 ટકા માટે કોરોના જ્યારે ત્રણ ટકા માટે અન્ય મુદ્દાઓ મહત્વના હોવાનું જણાવ્યું હતું.

વોટશેરને પણ સરવેમાં આવરી લેવાયા છે. દાવો કરાયો છે કે ભાજપના ગઠબંધનને 42 ટકા, સમાજવાદી પાર્ટીને 30 ટકા જ્યારે બસપાને 16 અને કોંગ્રેસને 5 ટકા મત મળી શકે છે. સરવેમાં 45 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશની સરકારના કામકાજથી ખુશ છે. જ્યારે 20 ટકાએ કહ્યું કે તેઓ ઓછા સંતુષ્ટ છે અને 34 ટકા લોકોએ કહ્યું કે તેઓ યોગી સરકારના કામગાજથી સંતુષ્ટ નથી.

અન્ય રાજ્યો પર નજર કરીએ તો ઉત્તરાખંડમાં પણ ફરી ભાજપની સરકાર બની શકે છે અને તેને 44થી 48 જ્યારે કોંગ્રેસને 19થી 23 બેઠકો મળી શકે છે. અહીં આમ આદમી પાર્ટીને પણ 0થી 4 બેઠકો મળવાનું અનુમાન છે. પંજાબમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને વધુ બેઠક મળવાનું અનુમાન છે. પંજાબમાં આપને 51થી 57 બેઠક, જ્યારે કોંગ્રેસને 38થી 49 બેઠક મળી શકે છે. ગોવામાં એક વખત ફરી ભાજપની સરકાર બનવાનું અનુમાન છે.

ભાજપના ખાતામાં અહીં 22થી 26 બેઠક આવી શકે છે. કોંગ્રેસના ખાતામાં 3-7 બેઠક આવી શકે છે. આમ આદમી પાર્ટી પણ ગોવામાં કોંગ્રેસ કરતા વધુ 4-8 બેઠક મેળવે તેવી શક્યતાઓ છે. મણીપુરમાં પણ આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે. મણીપુરમાં ભાજપના ખાતામાં 40 ટકા, કોંગ્રેસને 35 ટકા અને એનપીએફને 6 ટકા જ્યારે અન્યના ખાતામાં 17 ટકા મત આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.