GUJARAT

સ્વીટી મર્ડર કેસમાં અજય દેસાઇ અને કિરીટસિંહ સામે 1300 પેજની ચાર્જશીટ

 709 Total Views

ગુનાઇત ષડયંત્ર રચવાની કલમ ૧૨૦બી અને પુરાવાનો નાશ કરવાની કલમ ૨૦૧નો ઉમેરો કરાયો
વડોદરા તા.18 કરજણની પ્રયોશા સોસાયટીમાં સ્વીટીનું ગળું દબાવી ઠંડે કલેજે હત્યાના બનાવમાં તે સમયે જિલ્લા એસઓજીના પીઆઇ અજય દેસાઇ અને સ્વીટીની લાશ વગે કરવામાં મદદરૃપ થયેલા કરજણના કોંગી નેતા કિરીટસિંહ જાડેજા સામે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે કરજણની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા એસઓજીના પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી જૂન માસમાં ગુમ થયાના એક માસ બાદ ડીએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેની શોધખોળ શરૃ કરી હતી. જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે તા.૫ જૂનની રાત્રીથી સવારે આઠ વાગ્યા સુધી સ્વીટી ગુમ થઇ હોવાની નોંધ સ્વીટીના ભાઇ જયદીપ મહેન્દ્રભાઇ પટેલે તા.૧૧ જૂનના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. પીઆઇ અજય દેસાઇની પત્ની ગુમ થઇ હોવાની જાણ એક માસ પછી જિલ્લાના પોલીસ અધિકારીઓને જાણ થતા તપાસનો ધમધમાટ શરૃ થયો હતો.

જિલ્લા પોલીસની એક માસ જેટલી લાંબી તપાસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી અને પીઆઇ અજય દેસાઇએ જ રાત્રે સ્વીટી સાથે ઝઘડો થતાં ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને બીજા દિવસે પોતાની ગાડીમાં મૂકી ભરૃચ જિલ્લાના અટાલી ગામ પાસેની એક બંધ હોટલ પાસે લઇ જઇ લાશ સળગાવી દીધી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં કરજણના કોંગી આગેવાન કિરીટસિંહ જાડેજાએ પણ પીઆઇને મદદ કરી હોવાનું બહાર આવતા બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરાઇ હતી.

હત્યાના આ ગુનાની ફરિયાદના ૮૬ દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આજે કરજણની કોર્ટમાં અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજા સામે ૧૩૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં વિવિધ પુરાવાઓ તેમજ ૧૦૦ જેટલી વ્યક્તિઓના નિવેદનો પણ જોડવામાં આવ્યા છે. સ્વીટી મર્ડર કેસમાં ગુનાઇત કાવતરા ઘડવાની કલમ ૧૨૦ બીનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. હત્યા માટે અગાઉ મિટિંગ થઇ હોવાનો દાવો પોલીસે ચાર્જશીટમાં કર્યો છે. ઉલ્લેખનીય છે કે હત્યાકેસમાં બંને આરોપીઓ હજી પણ જેલમાં છે.

Leave a Reply

Your email address will not be published.