GUJARAT

વડોદરા નજીકની ત્રણ હોસ્પિટલોમાં ફ્રી બેડની સંખ્યા વધારવાનો આદેશ

 336 Total Views

વડોદરા: વડોદરા શહેરની બે સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો ધસારો ઓછો થવાનુ નામ નથી લઈ રહ્યો.આ બે હોસ્પિટલો પરનુ ભારણ ઘટાડવા માટે હવે વડોદરા શહેર નજીકની ત્રણ હોસ્પિટલોમાં ફ્રી બેડની સંખ્યા રાતોરાત વધારવાનો વહિવટીતંત્રે આદેશ કર્યો છે.

મળતી વિગતો પ્રમાણે આજવા ચોકડી પાસે આવેલી હોસ્પિટલ તેમજ વાઘોડિયાથી વડોદરા વચ્ચે લિમડા અને પિપળિયા ખાતે આવેલી બે હોસ્પિટલ એમ ત્રણ હોસ્પિટલોમાં હાલમાં ફ્રી બેડની સંખ્યા ૬૦૦ જેટલી છે અને તેના પર પહેલેથી જ ૫૦૦ જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આજે આ ત્રણે હોસ્પિટલોના સત્તાધીશો સાથે વડોદરાના ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી વિનોદ રાવ અને તંત્રના બીજા અધિકારીઓએ બેઠક યોજી હતી.જેમાં ત્રણે હોસ્પિટલોને ફ્રી બેડની સંખ્યા વધારીને ૮૦ ટકા કરવાનો આદેશ આપ્યો હતો.આ ત્રણે હોસ્પિટલને હવે ગોત્રી તેમજ સયાજી હોસ્પિટલની એક્સટેન્શન ફેસિલિટી જાહેર કરવામાં આવી છે.અહીંયા હવે ફ્રી બેડની સંખ્યા ૬૦૦ થી વધીને ૧૨૦૦ થઈ છે તેવુ તંત્રનુ કહેવુ છે.

દરમિયાન આજે સવારે સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૬૬૧ જેટલી નોંધાઈ હતી.એ પછી બીજા ૧૫૨ નવા દર્દીઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થવા માટે આવ્યા હતા.જેમને આ ત્રણે હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.