2,329 Total Views
અનલોક 0.1માં ધાર્મિક સ્થાનોને શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા અનુમતિને લઈને આજરોજ વડોદરાના કરનાડી ખાતે આવેલ સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરને ભક્તો માટે શરતોને આધીન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજરોજ વહેલી સવારથી ભક્તોનો ઘસારો કુંબેર ભંડારી ખાતે જોવા મળ્યો હતો. સાથોસાથ મંદિર પ્રશાસન દ્વારા હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાથી તમામ પ્રકારની સુવિધાથી સજ્જ મંદિરને કરવામાં આવ્યું હતું. કોઈપણ ભક્તે કુબેર ભંડારીના દર્શન કરવા હશે તો સેનેટાઈઝર ટનલમાંથી પસાર થવાનું રહેશે. સાથે પોતાના મોઢા ઉપર માસ્ક રાખશે ત્યારે જ કુબેર ભંડારીના દર્શન કરી શકશે તેવા નિયમોને આધીન આજે મંદિર ખોલવામાં આવ્યું હતું.
એટલું જ નહીં દસ વર્ષથી નીચેના અને 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પ્રવેશબંધી પણ મંદિર પ્રશાસન દ્વારા ફરમાવવામાં આવી છે. બીજી બાજુ સવારે 8થી 12 અને 1થી 5 આમ આઠ કલાક જ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાનો પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઇને વહેલી સવારથી જ ભક્તોના મોઢા ઉપર માસ્ક અને સેનેટાઇઝ થઈને દર્શનનો લાભ લીધો હતો જેને લઇ કુબેર ભંડારી મંદિરના મહંત રજની મહારાજ દ્વારા સંદેશ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આજે ત્રણ મહિના પછી આ મંદિર ફરી પાછુ ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.
બીજી બાજુ ભક્તોએ પણ પૂરી તકેદારી પોતાના સ્વાસ્થ્યની રાખવી પડશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ મંદિર પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણયોનું પાલન કરવાનું રહેશે. એટલું જ નહીં આ કુબેર ભંડારી મંદિર ખાતે દર અમાસે લાખોની સંખ્યામાં ભકતોની જનમેદની દર્શનાર્થે આવી પહોંચે છે ત્યારે તેવી પરિસ્થિતિમાં મંદિર પ્રશાસન દ્વારા સ્ટાફ વધારવાની ફરજ પડી છે અને લોકો કુબેર ભંડારીના સારી રીતે પોતાની ભક્તિ ભાવથી દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યું છે.