1,297 Total Views
દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપને આજે એક મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રીમમાંથી રાહત મળી નથી. રાજ્યસભાની ચૂંટણીના મતદાન પહેલા ગુજરાત ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સભ્યપદ રદ કરવાના આદેશ સામે સ્ટે આપ્યો નથી. ભાજપનું સંખ્યાબળ 103નું જ રહેશે. રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવા ભાજપ માટે એક એક મત મહત્વનો છે ત્યારે આ સમાચાર ભાજપને કેટલું નુકસાન પહોંચાડી શકે તેમ છે તે આગામી સમય બતાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પિટિશનનો ચુકાદો આપતા 82 દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. જેના બાદ પબુભા માણેક સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. તેમણે રાહત માટે સુપ્રીમમાં અપીલ કરી હતી, પંરતુ સુપ્રીમે તેને ફગાવી દીધી હતી. પબુભાની માંગણી સ્વીકારવામાં આવી નથી.
કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે, પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે. જેન લઇ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. ત્યારે મેરામણભાઇ ગોરીયાએ તેમના વકીલ દ્વારા ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે, ભાજપના ઉમેદવાર પબુભા માણેક જે ફોર્મ ભર્યુ હતું તેના ભાગ-1માં ઉમેદવાર કઇ વિધાનસભા લડવા માગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પર ચૂંટણી લડી શક્યા હતા.
કોણ છે પબૂભા માણેક
પબૂભા માણેક ગુજરાતની રણનીતિમાં ચર્ચીત હસ્તીઓમાં તેની ગણતરી થાય છે. પબૂભા માણેક 1990થી ગુજરાતમાં બીજેપીના ધારાસભ્ય રહ્યા છે. તે 1990થી લઈને અત્યાર સુધી 7 વિધાનસભાની ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને દરેક વખતે મોટા અંતરની સાથે ચૂંટણી જીતતા આવ્યા છે.