Sports

બાર્સેલોના-એટ્લેટિકો મેડ્રિડનો મુકાબલો ૨-૨થી ડ્રો

 1,014 Total Views

। બાર્સેલોના ।

સ્ટાર સ્ટ્રાઇકર લાયોનલ મેસ્સીએ પેનલ્ટી દ્વારા ગોલ નોંધાવ્યો હોવા છતાં બાર્સેલોના અને એટ્લેટિકો મેડ્રિડ વચ્ચે રમાયેલો સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગાનો મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો હતો. મેસ્સીએ કારકિર્દીમાં ૭૦૦ ગોલ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. મેસ્સીએ કેમ્પ નાઉ ખાતે રમાયેલી મેચમાં નોંધાવેલો ગોલ બાર્સેલોના માટે તેનો ૬૩૦મો ગોલ હતો. તેણે પોતાનો સૌથી પહેલો ગોલ ૨૦૦૫ની પહેલી મેએ કર્યો હતો. ૨૦૧૨માં મેસ્સીએ ૯૧ ગોલ કર્યા હતા અને તેણે ફૂટબોલના મહાન ખેલાડી પેલેના એક જ વર્ષમાં સર્વાધિક ૭૫ ગોલ નોંધાવવાના વિક્રમને તોડી નાખ્યો હતો. એક જ ટીમ તરફથી સર્વાધિક ગોલ નોંધાવવાના પેલેના રેકોર્ડને તોડવા માટે મેસ્સીને વધુ ૧૩ ગોલની જરૂર છે. ક્લબ તરફથી ૭૨૪ મેચ રમ્યા બાદ બાદ તેને હવે ઝાવી હર્નાન્ડેઝના ૭૬૭ મેચના રેકોર્ડનો તોડવામાં વધુ સમય લાગે તેમ નથી કારણ કે ક્લબ સાથે તેનો કરાર ૨૦૨૧ સુધીનો છે.  મેસ્સીના એક કોર્નરને એટ્લેટિકોના સ્ટ્રાઇકર ડિએગો કોસ્ટે આત્મઘાતી ગોલ નોંધાવતા બાર્સેલોના ૧-૦થી આગળ થયું હતું. સાઉલ નિગુએઝે ૧૯મી મિનિટે સ્કોર ૧-૧થી સરભર કર્યો હતો. મેસ્સીએ ૫૬મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવતા બાર્સેલોનાએ સ્કોર ૨-૧નો કર્યો હતો. આ તેનો સિઝનનો ૨૨મો ગોલ હતો. એટ્લેટિકો માટે યાનિસ કારાસ્કોએ ગોલ નોંધાવીને મેચ ૨-૨થી ડ્રો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જોસેફ બિકોનના નામે સર્વાધિક ૮૦૫ ગોલ

૭૦૦ ગોલ નોંધાવનાર ખેલાડીઓની યાદીમાં મેસ્સી સાતમા ક્રમે છે. અત્યાર સુધી સૌથી વધારે ૮૦૫ ગોલ ઓસ્ટ્રેલિયાના જોસેફ બીકોને નોંધાવ્યા છે. આ યાદીમાં રોમારિયો (૭૭૨), પેલે (૭૬૭), ફેરેન્ક પુસ્કાસ (૭૪૬), ગર્ડ મૂલર (૭૩૫) તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (૭૨૮) સામેલ છે. જોકે મેસ્સીએ ૭૦૦ ગોલની ઇલિટ ક્લબમાં સામેલ થવા માટે રોનાલ્ડો (૯૭૩ મેચ)ની સરખામણીમાં ૧૧૧ મેચ ઓછી રમી છે. રોનાલ્ડોએ યૂરો કપ ૨૦૨૦ના ક્વોલિફાયરમાં યુક્રેન સામે પેનલ્ટી કિક સાથે ૭૦૦મો ગોલ નોંધાવ્યો હતો.

રોનાલ્ડોનો ગોલ, જુવેન્ટ્સે જિનોઆને ૩-૧થી હરાવ્યું

રોમ । ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લોંગ ડિસ્ટન્સથી કરેલા શાનદાર ફિલ્ડ ગોલની મદદથી જુવેન્ટ્સે સેકન્ડ ડિવિઝનમાં રેલિગેટ થવાના આરે આવેલી જિનોઆ ક્લબને ૩-૧થી પરાજય આપ્યો હતો. વિક્રમી સતત નવમી વખત સિરી-એ ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતવાનો પ્રયાસ કરી રહેલી જુવેન્ટ્સની ટીમ લાઝિયો કરતાં ચાર પોઇન્ટ આગળ છે. લાઝિયોએ તોરિનોને ૨-૧થી હરાવી હતી. રોનાલ્ડોનો આ પ્રથમ ફિલ્ડ ગોલ હતો. આ પહેલાં તેણે બંને ગોલ પેનલ્ટી ઉપર કર્યા હતા. સિરી-એની વર્તમાન સિઝનમાં હવે તેના ૨૫ મેચમાં ૨૪ ગોલ થઈ ગયા છે. પાઓલો ડાયબાલાએ ૫૦મી, રોનાલ્ડોએ ૫૬મી તથા ડગ્લાસ કોસ્ટાએ ૭૩મી મિનિટે ગોલ કર્યા હતા. જિનોઆ માટે આન્દ્રે પિનામોન્ટીએ ૭૬મી મિનિટે ગોલ કર્યો હતો.

માન્ચેસ્ટર યુનાઇટેડે બ્રાઇટનને ૩-૦થી હરાવ્યું

ઇટન । બ્રૂનો ફર્નાન્ડિસના બે ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઇટેડે બ્રાઇટનને ૩-૦થી હરાવીને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ માટે ક્વોલિફાય કરવાની પોતાની દાવેદારીને વધારે મજબૂત બનાવી હતી. ફર્નાન્ડિસ કોરોના વાઇરસની મહામારી બાદ ફરીથી શરૂ થયેલી ઇંગ્લિશ પ્રીમિયર લીગની ત્રણ મેચમાં બે ગોલ નોંધાવી ચૂક્યો છે. યુનાઇટેડ હવે પાંચમા ક્રમે છે. માન્ચેસ્ટર સિટી ઉપર બે સિઝનનો પ્રતિબંધ જારી રહેશે તો યુનાઇટેડ ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય કરી લેશે. યુનાઇટેડ માટે મેસન ગ્રીનવૂડે ૧૬મી તથા બ્રૂનોએ ૨૯મી તથા ૫૦મી મિનિટે ગોલ કરીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. પ્રીમિયર લીગમાં લિવરપૂલ ૩૧ મેચમાં હાઇએસ્ટ ૮૬ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બ્રાઇટન રેલિગેટ થવાથી છ પોઇન્ટ ઉપર છે.

૮૦૫ ગોલનો રેકોર્ડ મેસ્સી ૨૦૨૨ સુધીમાં તોડી શકે છે 

મેસ્સીએ ૨૦૧૨માં પોતાનો ૩૦૦મો ગોલ રેઓ વેલેકાનો સોમ કર્યો હતો. તે ૨૦૧૪માં ગ્રેનેડા સામે ગોલ કરીને ૪૦૦ ગોલની ક્લબમાં સામેલ થયો હતો. ત્યારબાદ તેણે ૨૦૧૬માં વેલેન્સિયા સામે ૫૦૦મો તથા ૨૦૧૮માં એટ્લેટિકો મેડ્રિડ સામે ૬૦૦મો ગોલ કર્યો હતો. જો મેસ્સીનું આ શાનદાર પ્રદર્શન જારી રહેશે તો તે ૨૦૨૨ સુધીમાં બિકોનના ૮૦૫ ગોલનો રેકોર્ડ પણ તોડી શકે છે પરંતુ તેને રોનાલ્ડોનો પડકાર મળી શકે છે.

મેસ્સી ૧૧ વર્ષથી સતત ૪૦ કરતાં વધારે ગોલ નોંધાવે છે

બાર્સેલોનાનો સ્ટ્રાઇકર મેસ્સી ૧૧ વર્ષથી સતત ૪૦ કરતાં વધારે ગોલ પ્રત્યેક વર્ષે નોંધાવી રહ્યો છે. આ દરમિયાન તેણે નવ વખત ૫૦ કરતાં વધારે ગોલ નોંધાવ્યા હતા. મેસ્સીએ ૨૦૧૨માં હાઇએસ્ટ ૯૧ ગોલ કર્યા હતા જેમાં બાર્સેલોના માટે ૭૯ તથા આર્જેન્ટિના માટે ૧૨ ગોલ કર્યા હતા. તેણે પોતાની કારકિર્દી અને ક્લબ માટે ૨૯૪ ગોલમાં સાથી ખેલાડીને આસિસ્ટ પણ કર્યા હતા. આ આંકડાને પણ જોડવામાં આવે તો તે ૧૦૦૦ ગોલમાં યોગદાન આપનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે.

Leave a Reply

Your email address will not be published.