1,102 Total Views
મુસ્લિમ આતંકીઓ સામે લડવા સૈનિકો સુલુ પ્રાંત જઈ રહ્યા હતા
સુલુ પ્રાંતના જુલુ એરપોર્ટનો રન-વે ખૂબ જ ટૂંકો હોવાથી વિમાનના ઉતરાણમાં મુશ્કેલી પડતી હોવાનો સૂત્રોનો દાવો
ફિલિપાઈન્સ એરફોર્સના વિમાન સી-૧૩૦એ રવિવારે દક્ષિણી પ્રાંતમાં ઉતરાણનો પ્રયાસ કરતાં વિમાન તૂટી પડયું હતું, જેમાં ૪૫ લોકોનાં મોત નીપજ્યાં હતા. જોકે, ૫૦થી વધુને વિમાનના કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. વિમાન કેટલાક ગામવાસીઓ પર તૂટી પડયું હતું. મૃતકોમાં ૪૨ સૈનિકો સહિત ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી ડેલ્ફિન લોરેન્ઝાનાએ કહ્યું હતું કે, બચાવ અને રાહત કામગીરી હજી ચાલુ છે. આ વિમાન અંદાજે ૯૨ સૈનિકોને લઈ જઈ રહ્યું હતું, જેમાં ત્રણ પાઈલટ અને પાંચ ક્રૂનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં પાઈલટ્સ બચી ગયા છે, પરંતુ તેમને ગંભીર ઈજા થઈ છે.
લોકહીડ સી-૧૩૦ હર્ક્યુલસ અમેરિકન એરફોર્સના બે જૂના વિમાન હતા, જે આ વર્ષે સૈન્ય સહાયના ભાગરૂપે ફિલિપાઈન્સને અપાયા હતા. ફિલિપાઈન્સના સુલુ પ્રાંતમાં પર્વતીય શહેર પાટિકુલન ખાતે બંગકાલ ગામમાં રવિવારે બપોરે એરફોર્સનું આ વિમાન તૂટી પડયું હતું તેમ ચીફ ઓફ સ્ટાફ જનરલ સિરિલિટો સોબેજાને જણાવ્યું હતું.
સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, વિમાનમાં સવાર ૫૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાકી સૈનિકોની શોધખોળ ચાલુ છે. ફિલિપાઈન્સ સૈન્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાના કેટલાક સાક્ષીઓના જણાવ્યા મુજબ વિમાન જમીન પર તૂટી પડે તે પહેલાં કેટલાક જવાનો વિમાનમાંથી કૂદી પડયા હતા. સૈન્યે અકસ્માત સ્થળના પ્રારંભિક ફોટોમાં કાર્ગો વિમાનના પાછળનો ભાગ દર્શાવ્યો હતો. વિમાનનો આગળનો ભાગ સળગી ગયો હતો અથવા અકસ્માતને પગલે વેરવિખેર થઈ ગયો હતો.
આ કાર્ગો વિમાન સૈનિકોને દક્ષિણી કેગયાન ડી ઓરોથી સુલુમાં તેમની નિયુક્તિના શહેરમાં લઈ જઈ રહ્યું હતું. વિમાનમાં સવાર અનેક સૈનિકો નવા હતા, જેમણે હજી બેઝિક તાલિમ જ પૂરી કરી હતી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. સરકારી દળો દાયકાઓથી મુસ્લિમોની બહુમતીવાળા સુલુ પ્રાંતમાં અબુ સય્યાફ આતંકી સંગઠન સામે લડી રહ્યા છે. વિમાનના અકસ્માતનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. રિજિઓનલ મિલિટરી કમાન્ડર લેફ. જન. કોર્લેટો વિન્લૌને જણાવ્યું હતું કે, વિમાન પર હુમલો થયો હોવાની સંભાવના ઓછી છે. અનેક સાક્ષીઓનું કહેવું છે કે વિમાન એરપોર્ટ પરીસરમાં રનવે નજક તૂટી પડયું છે.
એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશમાં અન્ય એરપોર્ટ કરતાં જોલોમાં રનવે ખૂબ જ ટૂંકો છે, જેથી પાઈલટને ઉતરાણ માટેની જગ્યા શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. સુલુના મુખ્ય શહેર જોલોમાં એરપોર્ટ પર્વતીય વિસ્તારોથી થોડાક જ કિ.મી. દૂર છે. આ વિસ્તારમાં સક્રિય આતંકી જૂથ અબુ સય્યાફને અમેરિકા અને ફિલિપાઈન્સે અલગ અલગ બ્લેક લીસ્ટ કર્યું છે. ૨૦૧૮ના અંતમાં પ્રમુખ રોડ્રિગો દુર્તેતેએ સુલુમાં સૈન્યની હાજરી વધારી છે અને સેંકડોની સંખ્યામાં વધારાના દળો નિયુક્ત કર્યા છે. અબુ સય્યાફ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટ સાથે પણ સંકળાયેલું છે.
સલામતી દળોએ દક્ષિણી મરાવી શહેરમાં પાંચ મહિનાના અભિયાનમાં ઈસ્લામિક જૂથ સાથે સંકળાયેલા સેંકડો આતંકીઓનો સફાયો કર્યો છે. મહિનાઓ લાંબા હવાઈ અને જમીની હુમલામાં અબુ સય્યાફ આતંકી સંગઠનના ટોચના કમાન્ડર્સ સહિત ૧૦૦થી વધુ લોકોનો સફાયો થઈ ગયો છે. ફિલિપાઈન્સની સરકાર દાયકાઓથી મુસ્લિમ અને કોમ્યુનિસ્ટ ઘૂસણખોરોનો સામનો કરી રહી છે.