Kheda (Anand)

નડિયાદમાં 2 દિવસમાં કોરોનાથી 22 નાં મોત

 933 Total Views

નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર થોભવાનું નામ લેતો નથી દેખાતો. શુક્રવારે જિલ્લામાં ૧૨૯ કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ કેસોનો આંકડો ૫૧૬૪ પર પહોચી ગયો છે. એપ્રિલ મહિનાના ૨૩ દિવસમાં જ કોરોનાનો આંકડો ૧૨૫૦ને આંબી ગયો છે. જિલ્લાના વડામથક નડિયાદમાં શુક્રવારે રેકોર્ડબ્રેક ૭૨ કેસો પોઝિટિવ નોંધાયા છે. જિલ્લા તંત્ર દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતી સરકારી યાદી અને હોસ્પિટલો દ્વારા ઓનલાઈન મૂકવામાં આવતા આંકડામાં હજી મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા સત્તાવાર કોરોના મૃત્યુનો આંકડો માત્ર ૨૨ બતાવવામાં આવી રહ્યો છે જ્યારે કોવિડ સ્મશાનગૃહમાં છેલ્લા બે જ દિવસમાં ૨૨ અગ્નિસંસ્કાર થયા હોવાનું જાણવા મળે છે. આ તરફ નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ઈમર્જન્સીમાં આવતા દર્દીઓને બે-બે કલાક એમ્બ્યુલન્સમાં બેસાડી રાખવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે. ૨૩ એપ્રિલના રોજ નોંધાયેલા કુલ ૧૨૯ કેસોમાંથી નડિયાદમાં જ ૭૨ કેસો કોરોના પોઝિટિવ નોંધાયા છે, જ્યારે માતરમાં ૧૬, ખેડામાં ૧૩, મહુધામાં ૮, મહેમદાવાદ ૭, વસો ૭, કપડવંજ ૩, ગળતેશ્વર-કઠલાલ-ઠાસરામાં ૧-૧ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. સરકારી યાદી પ્રમાણે ૬૧૭માંથી ૪૩૨ની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવાયું છે, તેમાંથીે ૧૬૨ ઓક્સીજન પર અને વેન્ટિલેટર-બાયપેપ પર ૨૩ દર્દી સારવાર લઈ રહ્યા હોવાનું જણાવાયું છે. જ્યારે ૧૩૫ દર્દી હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યા છે. ખેડા જિલ્લામાં ગુરુવારે ૭૩૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લામાં તપાસવામાં આવેલા કુલ સેમ્પલોની સંખ્યા ૮૭૮૨૯ પર પહોંચી છે, જેમાંથી ૫૧૬૪ પોઝિટિવ અને ૭૮૦૯૯ નેગેટિવ આવ્યા છે. હજી ૧૨૮૭ સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું સરકારી યાદીમાં જણાવાયું છે. શુક્રવારે વેબસાઈટના આંકડા પ્રમાણે જિલ્લાના ૧૦૦૯ કોરોના બેડ ભરેલા છે તો સરકારી યાદી પ્રમાણે જિલ્લામાં ૬૧૭ દર્દીઓ જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સરકારી આંકડાઓ પ્રમાણે એપ્રિલ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ સુધીના પૂરા વરસમાં માત્ર ૨૨ કોરોના મૃત્યુ થયા છે અને ૧૫૯ નોન-કોવિડ ડેથ બતાવાયા છે, જ્યારે બીજી તરફ માત્ર કોવિડ માટેના સ્મશાનગૃહમાં ગુરુવારે ૧૪ અને શુક્રવારે ૮ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે એટલે કે છેલ્લા બે જ દિવસમાં ૨૨ અગ્નિસંસ્કાર થયા છે. બીજી તરફ જિલ્લા તંત્રના પ્રયાસોથી જિલ્લામાં કોરોના સારવારના કેન્દ્રો વધારવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ખાનગી અને સરકારી મળી કોવિડ કેન્દ્રોની સંખ્યા ૩૫થી વધીને ૩૯ થઈ છે. શુક્રવારે સાંજ સુધી હોસ્પિટલોએ ઓનલાઈન અપડેટ કરેલા જિલ્લામાં ૧૦૦૯ કોરોના બેડ ભરેલા છે, જ્યારે સરકારી યાદીમાં ૬૧૭ કોવિડ દર્દીઓ સારવાર લઈ રહ્યાનું જણાવવામાં આવ્યું છે.

લગ્ન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

હાલની કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં બંધ કે ખુલ્લી જગ્યામાં લગ્ન યોજવા માટે વધુમાં વધુ ૫૦ જ લોકોની પરવાનગી આપવામાં આવી છે. લગ્ન સિવાયના જાહેર કાર્યક્રમો, મેળાવડા કે સમારંભો યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં છે. હવે લગ્નપ્રસંગ યોજવા ઈચ્છતા લોકોએ પહેલાં ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રસંગ અગાઉ ડિજિટલગુજરાત પોર્ટલ પર લગ્નપ્રસંગ વિશે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. લગ્નપ્રસંગમાં સરકારે જાહેર કરેલા જાહેરનામામાં દર્શાવેલી કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન વગર લગ્નપ્રસંગ યોજવામાં આવશે તો તે સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

નડિયાદ સિવિલ તંત્ર સામે વધુ સવાલો

કોરોનાની વણસતી પરિસ્થિતિ સામે નડિયાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે દિવસેને દિવસે સવાલો થઈ રહ્યા છે. શુક્રવારે ઈમર્જન્સીમાં ૧૦૮માં આવેલા એક દર્દીને સિવિલ તંત્ર દ્વારા અઢી કલાક રાહ જોવડાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. કોવિડ સેન્ટર બહાર દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ બેસાડી રખાતા દર્દીઓના અને તેમના પરિવારજનોના જીવ અદ્ધર થઈ ગયા હતા. હાજર લોકોએ જણાવ્યા પ્રમાણે એક જ નહીં એકથી વધારે દર્દીઓને આ રીતે એમ્બ્યુલન્સમાં જ બેસાડી રાખવામાં આવતા હોવાનું જાણવા મળે છે. કોરોનાના આ કપરા કાળમાં સિવિલ તંત્ર દ્વારા આવી ઘોર બેદરકારી સામે લોકોના ચહેરા પર આક્રોશ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

Leave a Reply

Your email address will not be published.