India

દેશમાં 24 કલાકમાં રેકોર્ડ 13826 પોઝિટિવ કેસ, ૩૩૬નાં મોત

 519 Total Views

દેશમાં દિવસે દિવસે કોરોના વાઇરસની ચાલ વક્રી બની રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં વિક્રમસર્જક ૧૩,૫૮૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૩ લાખ ૮૦ હજારને પાર કરી ૩,૮૦,૫૩૨ ઉપર પહોંચી હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસનાં સંક્રમણના કારણે વધુ ૩૩૬ દર્દીનાં મોત નોંધાતાં કુલ મૃતાંક ૧૨,૫૭૩ થયો હતો. જોકે રાહતના સમાચાર એ છે કે, દેશમાં કોરોનાના સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા બે લાખને પાર કરી ૨,૦૪,૭૧૦ ઉપર પહોંચી ગઇ હતી. હાલ દેશમાં કોવિડ-૧૯ બીમારીના ૧,૬૩,૨૪૮ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૫૩.૭૯ ટકા પર પહોંચ્યો છે. જોકે દેશમાં કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે.

શુક્રવાર સવાર સુધીમાં નોંધાયેલા ૩૩૬ મોતમાં સૌથી વધુ ૧૦૦ મોત મહારાષ્ટ્રમાં નોંધાયાં હતાં. દિલ્હીમાં ૬૫, તામિલનાડુમાં ૪૯, ગુજરાતમાં ૩૧, ઉત્તરપ્રદેશમાં ૩૦, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં ૧૨-૧૨, રાજસ્થાનમાં ૧૦, જમ્મુ-કાશ્મીરમાં ૬, પંજાબમાં પાંચ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં ૪-૪, તેલંગણામાં ૩, આંધ્રપ્રદેશમાં બે, આસામ, ઝારખંડ અને કેરળમાં ૧-૧ મોત થયાં હતાં.

ટેસ્ટ વધવાની સાથે કેસોની ભરમાર, ૨૪ કલાકમાં રેકોર્ડ ૧,૭૬,૯૫૯ સેમ્પલ ટેસ્ટ કરાયાં

ટેસ્ટ વધવાની સાથે નવા સંક્રમિતો બહાર આવી રહ્યાં છે. ભારતમાં સતત આઠમા દિવસે ૧૦,૦૦૦થી વધુ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ કોરોના સંક્રમિતોની સંખ્યા છે. ૧ જૂનથી ૧૯ જૂન વચ્ચે દેશમાં કોરોના સંક્રમણના ૧,૮૯,૯૯૭ કેસ નોંધાયાં છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર ૧૮ જૂન સુધીમાં દેશમાં ૬૪,૨૬,૬૨૭ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. ગુરુવારે ૧,૭૬,૯૫૯ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં જે અત્યાર સુધીનાં સૌથી વધુ ટેસ્ટ છે.

દિલ્હીમાં હોમ આઇસોલેશનનો અંત, દર્દીઓને સરકારી ક્વોરન્ટાઇનમાં ફરજિયાત રખાશે

દિલ્હીમાં હવે સામાન્ય કોરોનાનાં લક્ષણ ધરાવતા દર્દીઓને પણ સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ફરજિયાત રાખવામાં આવશે. અગાઉ કેજરીવાલ સરકારે હળવા લક્ષણ ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના કારણે હોસ્પિટલમાં બેડની અછતનો સામનો કરી રહેલી દિલ્હીની કેજરીવાલ સરકાર માટે મુશ્કેલી સર્જાશે.

દિલ્હીના આરોગ્યમંત્રીની તબિયત બગડતાં આઇસીયુમાં  

કોરોના સંક્રમિત દિલ્હીના ૫૫ વર્ષીય આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી છે. ખરાબ તબિયતને લીધે તેમને સાકેતની મેક્સ હોસ્પિટલના આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને પ્લાઝમા થેરપી આપવામાં આવશે. સત્યેન્દ્ર જૈનને ઓક્સિજનની ઊણપને લીધે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનામાં ન્યુમોનિયાનાં લક્ષણો પણ જોવા મળતા તેમને ત્વરિત આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા. ૧૭ જૂને આમ આદમી પાર્ટીની ધારાસભ્ય આતિશીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તામિલનાડુના ઉચ્ચ શિક્ષણમંત્રી કે પી અંબાજગનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.