907 Total Views
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કોરોના સંક્રમણના નિદાન માટે બે નવા લક્ષણો યાદીમાં સામેલ કર્યાં હતાં. કોરોના સંક્રમણના લક્ષણોમાં હવે સ્વાદ અને ગંધની અનુભૂતિ ન થવાને પણ સામેલ કરાયાં છે. આરોગ્ય મંત્રાલયે ક્રિટિકલ હોય તેવા દર્દીઓને ઇમર્જન્સી સારવાર માટે એન્ટિવાઇરલ ડ્રગ રેમડેસિવિર આપવાની ભલામણ કરી છે. મધ્યમ ક્રિટિકલ હોય તેવા દર્દીઓને ઇમ્યુનોમોડયૂલેટર ટોકિલિઝુમાબ અને કોનવાલેસ્કેન્ટ પ્લાઝમા થેરાપીની પણ ભલામણ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કોરોનાના પ્રારંભિક લક્ષણ ધરાવતા દર્દીઓેને મેલેરિયાની સારવારમાં વપરાતી હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. જોકે ગંભીર કેસોમાં તેનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર શનિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૪૫૮ કોરોનાના નવા કેસ સામે આવતાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩,૦૮,૯૯૩ થઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના કારણે વધુ ૩૮૬ લોકોએ જીવ ગુમાવતાં કોવિડ-૧૯ મહામારીમાં મોતનો કુલ આંકડો ૮,૮૮૪ ઉપર પહોંચી ગયો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧,૫૪,૩૩૦ કોરોના દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૪૯.૯૪ ટકા થયો હતો. દેશમાં કોરોનાના કેસ બમણા થવાનો દર ૧૭.૪ દિવસ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી દેશમાં કોરોના મહામારીની સ્થિતિ અને પગલાંની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને રાજધાની દિલ્હી સહિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાની સ્થિતિની માહિતી મેળવી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન સામેલ થયાં હતાં. નીતિ આયોગના સભ્ય ડો. વિનોદ પોલે જણાવ્યું હતું કે, કોરોનાના બે તૃતીયાંશ કેસ પાંચ રાજ્યોમાં છે. મોટા શહેરોમાં ઝડપથી મહામારી ફેલાઇ રહી છે. વડાપ્રધાને શહેરો અને જિલ્લાઓમાં જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોમાં બેડ અને આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યાં હતાં. વડા પ્રધાને ચોમાસાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયને યોગ્ય તૈયારી કરવાની પણ સૂચના આપી હતી.
હવે આ ૧૪ લક્ષણોના આધારે કોરોનાનું સંક્રમણ નક્કી થશે
તાવ આવવો ।। ૨૭ ટકા
સતત ખાંસી આવવી ।। ૨૧ ટકા
ઝાડા-ઊલટી થવા ।। ૨૪ ટકા
ગંધ પારખી ન શકવી ।। ૨૪ ટકા
પેઢાંમાં દુખાવો થવો ।। ૨૪ ટકા
શ્વાસ લેવામાં તકલીફ ।। ૦૮ ટકા
બેચેની અને થાક ।। ૦૭ ટકા
ગળફામાં લોહી ।। ૨૪ ટકા
શરીરમાં દુખાવો ।। ૨૪ ટકા
ગળામાં ખારાશ ।। ૧૦ ટકા
છાતીમાં દુખાવો ।। ૨૪ ટકા
નાક વહેવું ।। ૦૩ ટકા
વારંવાર થૂંક આવવું ।। ૨૪ ટકા
સ્વાદ ન આવવો ।। ૨૪ ટકા
અનિયંત્રિત કોરોના
૩,૪૨૭ મહારાષ્ટ્ર
૧,૯૮૯ તામિલનાડુ
૪૫૪ પશ્ચિમ બંગાળ
૩૦૮ કર્ણાટક
૨૨૫ ઓડિશા
૨૨૨ આંધ્રપ્રદેશ
૧૯૮ લદ્દાખ
૬૦ ગોવા