778 Total Views
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વકર્યો છે, ત્યારે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ સિલસિલો યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે પણ વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં ચઢ્યા છે. રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલ કોરોનાની અડફેટે ચઢ્યા છે, તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ જાહેરાત કરી હતી. મંત્રી ઈશ્વર પટેલને સામાન્ય લક્ષણો હોવાથી તેમને ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એટલું જ નહીં, મંત્રી પુરૂષોત્તમ સોલંકીના કાર્યાલયમાં પણ કોરોના ફાટ્યો છે. રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં 4 કર્મચારી પોઝિટિવ આવ્યા છે. મંત્રી ઈશ્વર પરમારના કાર્યાલયમાં પણ 1 કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ દસક્રોઇ ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતાં.
નોંધનીય છે કે, રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થયા હતાં. જો કે તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતાં તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતાં.
રવિવારે ગુજરાતમાં વધુ 810 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે તો 586 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 361 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે તેમજ રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 96.82 ટકા થયો છે.