India

કોરોનાની બીજી લહેરની સચોટ આગાહી કરનારા નિષ્ણાતોએ કહ્યું- દેશમાં આ મહિને આવી જશે ત્રીજી લહેર

 1,178 Total Views

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે કોરોના અંગે થયેલી તાજેતરની આ આગાહી નિષ્ણાતોના ગાણિતીક મોડેલ પર આધારિત છે

દેશમાં કોરોનાની બીજી લહેરની સચોટ આગાહી કરનારા નિષ્ણાતોએ હવે થર્ડ વેવ (ત્રીજી લહેર)ની પણ આગાહી કરી છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ મહિને એટલે કે ઓગસ્ટના બીજા-ત્રીજા સપ્તાહ વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની શરૂઆત થઈ જશે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ ત્રીજી લહેરની શરૂઆત હશે,જેમાં આ વર્ષના ઓક્ટોબર મહિનામાં દરરોજ એકથી દોઢ લાખ નવા દર્દીઓનો ઉમેરો થઈ શકે છે. આ સમય દરમિયાન કોરોનાની ત્રીજી લહેર તેની ચરમસીમા પર હશે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે કોરોના અંગે થયેલી તાજેતરની આ આગાહી નિષ્ણાતોના ગાણિતીક મોડેલ પર આધારિત છે. સંશોધનમાં IIT હૈદરાબાદ અને કાનપુરના મધુકુમલ્લી વિદ્યાસાગર તથા મનિંદ્ર અગ્રવાલનો પણ સમાવેશ થતો હતો. અત્રે ઉલ્લેખની છે કે બીજી લહેર અંગે બન્ને નિષ્ણાતો દ્વારા જે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી તે સચોટ સાબીત થઈ હતી.

બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય ત્રીજી લહેર
નિષ્ણાતોના મતે બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેર વધારે ઘાતક નહીં હોય. બીજી લહેર સમયે એક દિવસમાં સંક્રમણના 4 લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા હતા. પણ આ વખતે આ આંકડા 1 લાખની આજુબાજુ હોઈ શકે છે. સ્થિતિ થોડી વધારે બગડશે તો આ આંકડા 1.5 લાખ સુધી પહોંચી શકે છે. ત્રીજી લહેરમાં કેટલા કેસ વધશે? આ પ્રશ્ન અંગે નિષ્ણાતોએ કહ્યું કે કેરળ, મહારાષ્ટ્ર અને વધારે કેસવાળા રાજ્યો પર તેનો આધાર રહેલો છે. જોકે આ બીજી લહેર જેટલી ભયજનક નહીં હોય.

કોવિડ પ્રોટોકોલ અને વેક્સિન જ ઉપાય
લોકોએ ફરી વખત સાવધાન રહેવાની જરૂર છે. એટલે કે વેક્સિન સાથે કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને જાહેર સ્થળો પર લોકો ભેગા થવાથી બચવું પડશે. આ સાથે વેક્સિનેશનની પણ ઝડપ વધારવી પડશે, જેથી જોખમને વધુમાં વધુ હાવી થતું અટકાવી શકાય.

ICMR એ પણ ઓગસ્ટમાં ત્રીજી લહેરનો દાવો કર્યો હતો
આ અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ ઓગસ્ટ મહિનામાં ત્રીજી લહેર આવવાનો દાવો કર્યો હતો. સંસ્થાના ડો.સમીરન પાંડાએ કહ્યું હતું કે જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે ઓગસ્ટના અંત ભાગની આજુબાજુ કોઈ પણ સમયે આવી શકે છે.

અત્યાર સુધી 4.24 લાખ લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સોમવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,134 નવા કેસ સામે આવ્યા છે. 422 લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્તમાન સમયમાં સંક્રમિતોની કુલ સંખ્યા 3.16 કરોડને પાર થઈ ગઈ છે. આ પૈકી 4.24 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 4.13 લાખ છે. અત્યાર સુધી 3.08 કરોડ લોકો સાજા થઈ ચુક્યા છે. રિકવરી દર 97.35 ટકા છે.

36 દિવસથી 50 હજારથી ઓછા કેસ આવ્યા
દેશમાં સતત 36માં દિવસે દૈનિક 50 બજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. વેક્સિનના 46 કરોડથી વધારે ડોઝ લગાવી ચુક્યા છે. વેક્સિનના 46 કરોડથી વધારે ડોઝ લગાવી ચુક્યા છે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધી મોટા ભાગની વસ્તીને વેક્સિનેટ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. કેરળ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર સહિત 10 રાજ્યોમાં સંક્રમણના કેસ વધતા કેસને જોતા કેન્દ્ર સરકારે પોતાની ટીમ આ રાજ્યોમાં મોકલી છે, જે વાઈરસને અટકાવવાનું કામ કરશે.

Leave a Reply

Your email address will not be published.