India

કોઈ આપણી એક ઈંચ જમીન પર આંખ ઉઠાવીને જોઈ શકે તેમ નથી : મોદી

 878 Total Views

લદ્દાખમાં એલએસી ખાતે ચીની સેનાના ભારતીય સૈનિકો પર હુમલા બાદ બંને દેશ વચ્ચે  પ્રવર્તી રહેલા તણાવ મધ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. વિપક્ષના નેતાઓની મંતવ્યો જાણ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચીને આપણી સરહદમાં ઘૂસણખોરી કરી નથી કે આપણી કોઇ ચોકી પર ચીને કબજો જમાવ્યો નથી. સરહદ પર થયેલી હિંસક અથડામણમાં  આપણા ૨૦ જવાન શહીદ થયાં પરંતુ જેમણે ભારત માતાને પડકાર આપ્યો તેમને તેમણે બરાબર પાઠ ભણાવ્યો છે. આજે આપણે  એટલી ક્ષમતા ધરાવીએ છીએ કે, કોઇ આપણી એક ઇંચ જમીન પર આંખ  ઉઠાવીને જોઇ શકે તેમ નથી. ભારતના સશસ્ત્રદળો એકસાથે  સંખ્યાબંધ સેક્ટરમાં આગળ વધવાની ક્ષમતા ધરાવે છે.

મોદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જેમને કોઇ સવાલ કરી શકાતો નહોતે કે અટકાવી શકાતા નહોતા તેમને આપણા જવાનો અટકાવી રહ્યાં છે અને સંખ્યાબંધ સેક્ટરોમાં ચેતવણી આપી રહ્યાં છે. આપણા સશસ્ત્રદળોની ફાઇટર પ્લેન, આધુનિક હેલિકોપ્ટર, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જેવી જરૂરિયાતને પણ મહત્ત્વ આપવામાં  આવી રહ્યું છે. દેશની સુરક્ષા માટે આપણા સુરક્ષા દળો ડિપ્લોયમેન્ટ, એક્શન અને કાઉન્ટર એક્શન સહિતનાં તમામ પગલાં  લઇ રહ્યાં છે. અગાઉ જે વિસ્તારોમાં નજર રખાતી નહોતી ત્યાં પણ  આપણા જવાનો હવે નજર રાખી રહ્યાં છે અને જવાબ આપી રહ્યાં છે.

આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એઆઇએડીએમકે,  ડીએમકે, ટીઆરએસ, જદયુ,, લોજપા, બસપા, સપા, શિવસેના અને  એનસીપી સહિતની રાજકીય પાર્ટીઓના પ્રમુખો હાજર રહ્યાં હતાં.  જોકે, આમ આદમી પાર્ટી, લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતાદળ અને  ઓવૈસીની પાર્ટીઓને વર્ચ્યુઅલ બેઠકમાં આમંત્રણ ન અપાતાં  વિવાદ સર્જાયો હતો.

સરકારને સોનિયાના સાત સવાલ, રાજનાથે કહ્યું ઇન્ટેલિજન્સ ફેલ્યોર નથી

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, એલએસી પર પહેલાની સ્થિતિ પાછી આવે અને ચીન તેની પહેલાની સ્થિતિ પર પાછો ચાલ્યો જાય તેવું આશ્વાસન દેશ ઇચ્છે છે. આ અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પણ દેશ અંધારામાં છે. સરકારે પાંચમી મેથી ૬ જૂન સુધીનો મહત્ત્વનો સમય ગુમાવી દીધો છે. આપણે આપણા તમામ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યાં છીએ તેના કારણે ૨૦ સૈનિકોની મૂલ્યવાન જિંદગી ગુમાવવી પડી છે. ચીન દ્વારા ઊભા થયેલા પડકારનો સામનો કરવા સેના કેટલી તૈયાર છે તેની માહિતી પણ સરકાર વિપક્ષને આપે. સોનિયા ગાંધીએ સરકારને ઇન્ટેલિજન્સ ફેલ્યોર પર ૭ સવાલ કર્યાં હતા. બેઠકમાં હાજર રહેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું  હતું કે, ઇન્ટેલિજન્સ ફેલ્યોર જેવું કશું નથી. તૃણમૂલના વડા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ચીનમાં સરમુખત્યારશાહી છે પરંતુ આપણે સાથે મળીને કામ કરવાનું છે.

ચીની સેનાએ બંધક બનાવેલા ભારતીય સેનાના ૧૦ જવાન મુક્ત કર્યા

૧૫મી જૂને ચીન અને ભારતના સૈનિકો વચ્ચે સર્જાયેલી અથડામણમાં ચીની સેના દ્વારા બંધક બનાવાયેલા ૧૦ ભારતીય જવાનને શુક્રવારે ડિપ્લોમેટિક અને મિલિટરી ચેનલો દ્વારા આકરી મંત્રણાઓ બાદ મુક્ત કરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નામ નહીં આપવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા બે સૈનિક અધિકારી સહિત ૧૦ સૈનિક ગુરુવારે સાંજે ભારતીય વિસ્તારમાં પરત ફર્યાં હતા. મેજર જનરલ સ્તરની મંત્રણા બાદ ૩ દિવસ પછી ભારતના ૧૦ જવાનને મુક્ત કરાયા હતા. સૈનિકોની સુરક્ષાનાં કારણોસર આ મંત્રણાઓ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. આ મામલે સત્તાવાર રીતે કોઇ નિવેદન સરકાર કે સેના દ્વારા અપાયા નથી. ગુરુવારે સાંજે ભારતીય સેના અને વિદેશ મંત્રાલય દ્વારા અલગ અલગ નિવેદનો જારી કરીને સ્પષ્ટતા કરાઇ હતી કે, સોમવારે રાત્રે બનેલી ઘટનામાં ભારતીય સેનાનો કોઇ જવાન લાપતા બન્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુક્ત કરાયેલા ભારતીય જવાનોને મેડિકલ તપાસ માટે મોકલી અપાયા હતા.

શહીદ ભારતીય જવાનોના ચહેરા ક્ષતવિક્ષત કરાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર શહીદોના શરીર પર ઊંડા ઘાનાં નિશાન હતાં જે દર્શાવે છે કે, તેમની સાથે બર્બરતા આચરાઇ હતી. ૧૭ જવાનોના શરીર પર ઇજાનાં ઊંડાં નિશાન હતાં. ૩ જવાનના ચહેરાને ક્ષતવિક્ષત કરાયા હતા. ૩ જવાનની ગરદન રહેંસી નાખવામાં આવી હતી.

ચીને ભારતીય જવાનોને બંધક બનાવ્યાની વાત સરકારે શા માટે છુપાવી? : આપ સાંસદ સંજયસિંહ

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે જણાવ્યું હતું કે, ચીને ભારતીય જવાનોને બંધક બનાવ્યાની વાત સરકારે શા માટે છુપાવી રાખી? સરકારે એક દિવસ પહેલાં જ જાહેર કર્યું કે એકપણ જવાન લાપતા નથી. હવે એવા અહેવાલો છે કે, ૧૦ જવાનને મુક્ત કરાવી લેવાયા છે. સવાલ એ છે કે, આટલા ગંભીર મુદ્દા પર સરકાર જુઠ્ઠું શા માટે બોલી રહી છે?

Leave a Reply

Your email address will not be published.