International

આ વર્ષનાં અંત પહેલાં વિશ્વને કોરોનાની વેક્સિન મળવાની આશા : WHO

 512 Total Views

આ વર્ષનાં અંત સુધીમાં વિશ્વને કોરોનાની જીવલેણ મહામારીને ડામી શકે તેવી વેક્સિન મળી શકે છે તેવી આશા WHO નાં ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને વ્યક્ત કરી હતી. જિનિવા ખાતે કોરોનાની ડ્ર્ગ ટ્રાયલનાં પરિણામો અંગે તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું.  તેમણે કહ્યું કે, હાલ ૧૦ જેટલી વેક્સિનનું  માનવીઓ પર ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. જેમાંથી ૩ વેક્સિન નવા ત્રીજા તબક્કામાં છે. અમને આશા છે કે તેનાં સારા પરિણામો વહેલી તકે આપણી સમક્ષ હોય.  જો કે વેક્સિનની ટ્રાયલ એક જટિલ અને લાંબી પ્રોસેસ છે. જેમાં અનેક અનિશ્ચિતતા હોય છે. જો કે આપણી પાસે ટ્રાયલ માટે અનેક વેક્સિન છે તેથી સંભવિત વેક્સિન પર અમે પણ કામ કરી રહ્યા છીએ. જો આપણે લકી હોઈશું તો એક કે બે વેક્સિન વર્ષના અંત પહેલા આપણી પાસે હશે. કોરોનાની મહામારી આ સદીની સૌથી જીવલેણ પૂરવાર થશે કે કેમ? તેવા પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું કે, આપણે હજી અડધા રસ્તે જ પહોંચ્યા છીએ. આપણે કોઈએ તેને હળવાશથી લેવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૮૬,૩૭,૩૦૬ પહોંચી ગયા છે. બીજી તરફ કોરોનાને કારણે ૪,૫૭,૭૧૫ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૪૫,૬૭,૯૦૩ લોકો સાજા પણ થઈ ગયા છે.

ચીનમાં વધુ નવા ૩૭ કેસ નોંધાતાં બેઈજિંગમાં વોરટાઈમ ઈમરજન્સી

ચીનમાં કોરોનાનાં વધુ ૩૭ કેસ નોંધાતા બેઈજિંગમાં વોરટાઈમ ઈમરજન્સી લાગૂ કરવામાં આવી છે. સત્તવાળાઓએ કોરોનાને પ્રસરતો રોકવા સંખ્યાબંધ પ્રતિબંધો લાગૂ કર્યા છે. ૩૭માંથી ૨૫ કેસ બેઈજિંગમાં આવ્યા છે. જ્યારે ૧૮૩ને સારવાર અપાઈ રહી છે. ૩૨ નવા કેસ પૈકી ૨૮ દેશમાં જ ચેપ લાગેલા છે જ્યારે ૪ કેસ બહારથી આવેલા લોકોનાં છે. ગુરુવારે એકપણ મૃત્યુ નથી નોંધાયું તે સરકાર માટે રાહતની વાત છે.

અમેરિકામાં કોરોનાનાં કેસ ૨૨ લાખને પાર

અમેરિકામાં કોરોનાનાં કુલ કેસ ૨૨,૬૫,૪૪૯ નોંધાયા છે જ્યારે ૧,૨૦,૭૨૬નાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭,૯૨૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૭૪૭નાં મોત થયા છે. અમેરિકાનાં એરિઝોના, કેલિફોર્નિયા, ફ્લોરિડા સહિતચ અનેક રાજ્યોમાં સરકારે લોકોને કોરોનાથી બચવા માસ્ક પહેરવા તાકીદ કરી છે. અમેરિકાએ ફરી એકવાર ચીનનાં મૃત્યુઆંક સામે સવાલો ઉઠાવ્યા છે. ચીન કોરોનાનાં મોતનો સાચો આંકડો જાહેર નથી કરતું તેવા આક્ષેપો કરાયા છે. બીજી તરફ બ્રિટનમાં કોરોનાનાં એલર્ટ લેવલને ૪થી ઘટાડીને ૩ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.